Amazing Dwarka: ચંદ્રયાન-3એ ગઈકાલે સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ હવે લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને ચંદ્રની ધરતી પર આંટાફેરા કરવાનું શરૂ કરી દીધુ છે. આ રોવર ચંદ્રની સપાટી પર આંટાફેરા કરીને ચંદ્ર પર પાણી છે કે નહીં અને અન્ય તમામ પાસાઓનું નિરાકરણ કરીને સંદેશ પૃથ્વી પર મોકલશે. તમને જાણીને નવાઇ લાગશે કે ચંદ્ર પર આજીવન એક એવી નિશાની રહેશે જે ક્યારેય ભુસાશે નહીં. ચંદ્ર પર સંશોધન કરનારા ચંદ્રયાન 3ના રોવરના વ્હીલ પર એક ખાસ ઇસરો અને અશોક સ્તંભની છાપ છે. જ્યાં જ્યાં રોવર જશે ત્યાં ત્યાં તેની નિશાની બની જશે.
આ રોવર છ પૈડાંવાળો રોબોટ છે. જેનો વજન 26 કિલો છે જેમાં એકબાજુના પૈડાં પર અશોક સ્તંભ છે અને બીજી બાજુના પૈડાં પર ઇસરોની નિશાની છે. રોવર ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા જેમ જેમ આગળ વધશે તેમ તેમ ચંદ્રની ધરતી પર અશોક સ્તંભ અને ઈસરોની અમીટ નિશાની છપાતી જશે. અમીટ એટલા માટે કારણ કે ચંદ્ર પર હવા ન હોવાથી આ નિશાની ક્યારેય ભુસાશે જ નહીં. જે ભારત માટે ખુબ જ ગૌરવની વાત છે.
ચંદ્ર પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ માટે સક્રિય કરવામાં આવ્યું છે. જે આપણને ચંદ્ર પરની ગતિવિધિની માહિતી આપશે. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પરથી માટી પણ એકત્રિત કરશે. જેના પરથી ચંદ્રની જમીન અંગેની માહિતી મેળવી શકાશે.
મૂનવોક દરમિયાન રોવરની ઝડપ 1 સેમી/સેકન્ડ છે. આ દરમિયાન રોવર પાણી, જમીન અને કિંમતી ધાતુનુ પરિક્ષણ કરશે. ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. કારણ કે અત્યારે અમેરિકા દ્વારા લોકોને પૃથ્વી પરથી ચંદ્ર ઉપર મોકલવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી અમેરિકાને અત્યારે ભારત પાસે ખુબ મોટી આશા હતી. કારણ કે ભારતની આ સફળતાથી અમેરિકાને ખુબ ફાયદો થશે. ભારતની આ છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન સાબિત થશે.