Veer Mangdavalo: દેશના પશ્ચિમ ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણના દેવભૂમિ દ્વારકાનો ભાણવડ તાલુકો ઐતિહાસિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વનો છે. (Veer Mangdavalo) અનેક એવા સ્થળો આવેલા છે જેની દંતકથાઓ આજે પણ પ્રચલિત છે. તો આ ભાણવડમાં જ આવેલા બરડા ડુંગરની હારમાળાની તો શું વાત કરવી, ચોમાસામાં તો અહીં જાણે સાક્ષાત કુદરતનું સુંદર સ્વરૂપ વસતું હોય તેવો નજારો જોવા મળે છે. બે દિવસની ટ્રીપ પ્લાન કરીને તમે અહીં વેકેશનની મજા માણવા પહોંચી શકો છો.
Veer Mangdavalo
અહીં તમને બરડા ડુંગરમાં આવેલા અનેક પૌરાણિક સ્થળો જેવા કે ઘુમલી, ગોપ ડુંગર, સોનકંસારી, કિલેશ્વર સ્થળો તો જોવાની મજા આવશે જ સાથે જ અહીં આવેલા ભૂતવડની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં વીર માંગડાવાળાની સમાધી અને ભૂતવડ ખુબ જ પ્રખ્યાત છે.
કેવી છે ભૂતવડની કહાની ? – વીર માંગડાવાડાની અમર પ્રેમકહાની
ભાણવડના ભૂતવડની વાત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. આજે પણ દૂરદૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ ભૂતવડની વાત કરીએ તો અહીં વીર માંગડાવાળાની દંતકથા પ્રચલિત છે. જેમાં વાત એવી છે કે ઘુમલી પ્રદેશમાં જેઠવાઓનું શાસન હતું ત્યારે જેઠવાઓનો ભાણેજ હતો વીર માંગડાવાળો, લડાઇમાં પરાક્રમી હોવાથી તેને બધા વીર માંગડાવાળા તરીકે ઓળખતાં હતા. વીર માંગડાવાળાને પાટણની પદ્માવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે લગ્નના કોલ થયા હતા, જો કે લૂંટારુ સાથે યુદ્ધ દરમિયાન વીર માંગડાવાળો દેવ થઇ ગયો હોવાથી તેના પદ્માવતી સાથે લગ્ન કરવાના ઓરતા અધૂરા રહી ગયા હતા. કહેવાય છે કે તે વડમાં ભૂત થયો હતો. જો કે બાદમાં પદ્માવત સાથે લગ્ન થયા અને તેનો જીવ તૃપ્ત થયો હતો. ત્યારબાદથી તે વડમાં ભૂત થઇને અહીંથી પસાર થતાં જાનૈયાઓની રક્ષા કરે છે.
અત્યારે અહીં કેવી સ્થિતિ છે ભૂતવડની ?
સૌરાષ્ટ્રની ભૂમી એટલે સંત, સૂરાની ધરતી અને ડગલેને પગલે પ્રેમ, વીરતા અને બલીદાનની વાતો સાંભળવા અને તેના પાળિયા સ્વરૂપે પુરાવા પણ જોવા મળે છે. આવો જ એક પુરાવો ભાણવડના ભૂતવડમાં જોવા મળે છે. જેમાં અહીં વીર માંગડાવાડાનો પાળિયો અને ભૂતવડ જોવા મળે છે. વર્ષોથી વર-વધુ છેડાછોડી અહીં છોડવા આવે છે. તો એવી પણ માન્યતા છે કે વાંજીયા દંપત્તી ઘરે પારણું બંધાય તેવી માનતા પણ રાખે છે. માનતા પૂર્ણ થયા બાદ બાળકના ફોટો આ વડ પાસે મૂકે છે.