Signature Bridge Bet Dwarka | દેવભૂમિ દ્વારકા ટુરિઝમને ચાર ચાંદ લગાવતા 978 કરોડના ખર્ચે બનેલ બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની શું છે ખાસિયત ?

Signature Bridge Bet Dwarka : દ્વારકા એટલે કાળીયા ઠાકરની ભૂમિ.જેના કણ કણમાં શ્રી ક્રિષ્નનો વાસ છે તેવાં દેવભૂમિ દ્વારકામા સાક્ષાત્ દ્વારકાધીશ બિરાજમાન છે માત્ર ગુજરાત જ નહિ પરંતું ભારત અને સમગ્ર વિશ્વમાં દ્વારકાધીશને લીધે આજે દ્વારકાનું નામ ગુંજતુ થયું છે તેવામાં આ રમણીય અને પવિત્ર ભૂમિ પ્રવાસન તરીકે પણ વિકસી રહી છે. આ બ્રિજનું ૨૫ ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.

શિવરાજપુર બીચ હોય કે,બેટ-દ્વારકા હોય આ બધા જ સ્થળો આજે દ્વારકાના વિકાસને ચાર ચાંદ લગાવી રહ્યા છે. તેવામાં દેવભૂમિ દ્વારકા માટે અતિ આવશ્યક અને ગુજરાત પ્રવાસનને વેગ આપે તથા ગુજરાત રાજ્યના નોંધપાત્ર માળખાકીય વિકાસનું સાક્ષી બની રહે તે માટે કચ્છના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુને ઓખા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રીજની શું વિશેષતા હશે? બ્રિજનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું ? બ્રિજ નિર્માણમાં કેવા કેવા ચેલેન્જીસ આવ્યા ? ચાલો સંપૂર્ણ માહિતી વિસ્તૃતમાં સમજ્યે.

Signature Bridge Bet Dwarka નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે ?

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો માત્ર એક જ વિકલ્પ ફેરી બોટ હતો જેના લીધે મંદગતિએ કાર્યો થતાં તેથી બેટ દ્વારકાનો ઝડપી વિકાસ થાય તથા પ્રદેશમાં કનેક્ટિવિટી સારી થાય અને પર્યટકોને આકર્ષવાના હેતુથી અહીં સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું.

Signature Bridge Bet Dwarka નિર્માણ પાછળ કેટલો ખર્ચ થયો છે ?

સિગ્નેચર બ્રિજના નિર્માણ માટે 2016 માં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રૂ. 978 કરોડના રોકાણ સાથે 2.32 કીલો મીટર લંબાઈ ધરાવતા સિગ્નેચર બ્રીજ બનવાની જીમ્મેદારી SP સિંગલા કન્સ્ટ્રક્શન (SPSC) કંપની ને સોંપવામાં આવી ત્યાર બાદ માર્ચ 2018માં આ બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી.

Signature Bridge Bet Dwarka બનાવવા પાછળ ક્યાં કયા ચેલેન્જ આવ્યા ?


ઓખા અને બેટ દ્વારકાને જોડતું આ બ્રિજ દરિયામાં બનવાનું હતું તથા આ બ્રીજની લંબાઈ પણ 2.32 કિ.મી. જેટલી હતી તેવામાં એન્જિનિયરર્સ માટે આ બ્રિજ બનાવા પાછળ ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓ રહેલી હતી દરિયાની વચ્ચે 130 મીટર ઊંચાઈ ધરાવતા પાઈલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ ઉદ્દભવી શકે તેવું હતું.

જ્યારે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રીજનું કામ થઈ શકે તેમ હતું તેવામાં જુદા જુદા ચેલેંજીસને પાર પાડીને વિવિધ મુસીબતોને ઓળંગીને આવેલી SP સિંગલા કંપની અને તેમના એન્જિનિયરોએ બુલંદ હોસલા સાથે આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કર્યું.

Signature Bridge Bet Dwarka નું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું ?


સિગ્નેચર બ્રિજ એ કર્વલાઈનની ડિઝાઈન વાળા મહાકાય પાઈલોન (થાંભલાઓ) ઉભા કરવા વાળો દેશનો પ્રથમ બ્રિજ બન્યો છે આ બ્રિજ 2 રિંગ મશીન, 2 ક્રેન અને 2 જેક ઓફ બાર્જ જેવા આધુનિક અને મહકાય મશીનોના મદદથી નિર્માણ પામ્યું છે. સિગ્નેચર બ્રિજ પર મહાકાય પાઈલોન(થાંભલાઓ) ઊભા કરવામાં આવ્યા છે જેના બેઝમાં સ્ટીલનો ઉપયોગ કરી ઉપર કોંક્રિટનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

એક પાયલોનનું વજન 14 હજાર ટન જેટલું છે તથા દરેક પાઈલોન પર 12 બાય 20 મીટરની મોરપીંછની ડિઝાઈન કરવામાં આવી છે જે આ બ્રિજને ખૂબ જ સુંદર અને આકર્ષક બનાવે છે. આ બ્રિજ પર 152 કેબલ લગાવવામાં આવ્યા છે, જેનો વજન 1500 ટન જેટલો થાય છે. તથા આ બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝૂલશે નહીં.

સિગ્નેચર બ્રિજનું ક્યારે થશે લોકાર્પણ?

દેવભૂમિ જિલ્લાના ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રીજ હવે પૂર્ણતાને આરે છે આ બ્રિજ તૈયાર થઇ ગયો છે. આ બ્રિજ પર 44,700 કિલો લોડ ધરાવતી ૪૮ ટ્રકો એક સાથે દોડાવી બ્રીજની મજબુતાઇનું સફળ પરીક્ષણ પણ કરાયુ હતુ.ઓખાથી બેટ દ્વારકા જવા માટે હાલ સુધી એકમાત્ર વિકલ્પ ફેરીબોટ સર્વિસ જ છે જેની સમય મર્યાદા માત્ર સાંજે છ વાગ્યા સુધી જ છે તેથી મજબૂર યાત્રીકો સિગ્નેચર બ્રીજના લોકાર્પણ થયા બાદ ગમે ત્યારે અવર જવર કરી શકાશે. આ બ્રિજના લોકાર્પણથી યાત્રીકોની સુવિધામાં તથા બેટ દ્વારકાના વિકાસમાં ખૂબ વધારો થશે તેવામાં આ બ્રિજનું ૨૫ ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.

સિગ્નેચર બ્રીજની રૂપરેખા


અનેક સુવધાઓથી સજ્જ અને આધુનિક એન્જિનિયરિંગનુ ઉત્તમ ઉદાહરણ એટલે સિગ્નેચર બ્રિજ. આ બ્રિજ અનેક સુવિધાઓથી ભરપૂર છે ચાલો આ બ્રીજની રૂપરેખા પર એક નજર કરીએ. સિગ્નેચર બ્રિજ પર દેશમાં પહેલીવાર કર્વલાઈનની ડિઝાઈનના મહાકાય પાયલોન (થાંભલાઓ) ઉભા કરવામાં આવ્યા છે. તેના બે પાયલોન(થાંભલાઓ)વચ્ચેનો મુખ્ય ગાળો 500 મીટર સુધીનો છે જે ભારતના સૌથી લાંબા ગાળા વાળા બ્રીજ તરીકેનો નવો રેકોર્ડ બનાવે છે.

આ પુલને બે સ્ટ્રાઇકિંગ એ-આકારના તોરણો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે,જેની ઉંચાઈ 130 મીટર જેટલી છે. આ પુલ 2320 મીટર લાંબો છે જેમાંથી 900 મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝૂલશે નહીં. આ બ્રિજ ચાર માર્ગીય હશે જેની પહોળાઈ 27.20 મીટર છે અને દરેક બાજુએ 2.50-મીટરના ફૂટપાથ પણ રાખવામા આવેલ છે.જે રાહદારીઓ અને સાઇકલ સવારો માટે અનુકૂળ અને લાભદાયી રહેશે.

સિગ્નેચર બ્રીજની વિશેષતાઓ

મોડર્ન આર્કિટેક અને ભારતી એન્જિનિયર્સનું કૌશલ્ય રજૂ કરતા સિગ્નેચર બ્રિજ માં ઘણી વિશેષતાઓ રહેલી છે જે પ્રવાસીઓને આકર્ષવામાં પણ મદદરૂપ થશે. પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોને અનુરૂપ, સિગ્નેચર બ્રિજના ફૂટપાથ પર સોલાર પેનલ રાખવામાં આવેલ છે જે પુલની લાઇટિંગને પાવર આપવા અને ઓખાની ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 1 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે. આ બ્રિજ પર 12 વ્યૂહાત્મક ગેલેરીઓ રાખવામાં આવેલ છે જે બ્રિજની મનોહરતા અને સુંદરતામાં વધારો કરશે તથા પ્રવાસીઓને આકર્ષક દ્રશ્યો પ્રદાન કરશે. આ બ્રિજને સુંદર અને મોહક બનાવવા સાંજના સમય માટે ડેકોરેટિવ લાઇટિંગ લગાવવામાં આવશે.

આ બ્રિજ દ્વારકા વાસીઓને કેવી રીતે મદદરૂપ થશે ?


દ્વારકા વાસીઓ માટે આ બ્રિજ વરદાન સ્વરૂપ સાબિત થશે કારણ કે આ બ્રિજના નિર્માણથી ઓખા અને બેટ દ્વારકા ટાપુ વચ્ચે સહેલાઈથી મુસાફરી કરી શકાશે અત્યાર સુધી લોકોને માત્ર ફેરી બોટની જ સુવિધા મળતી હતી જ્યારે આ બ્રિજના નિર્માણથી લોકોને નવો વિકલ્પ મળશે આ બ્રિજના કારણે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેની મુસાફરી વધુ કાર્યક્ષમ અને અનુકૂળ થશે સાથે આ બ્રિજ પ્રદેશમાં કનેક્ટિવિટી મજબૂત અને ઝડપી બનાવશે.

પર્યટકોને આ બ્રિજ કેવી રીતે મદદરૂપ થશે ?


આ બ્રીજ પરથી પર્યટકો દરિયાઈ સૃષ્ટિને ખુબજ નજીક થી જોઈ શકે તે હેતુથી વોક વે બનાવેલ છે તથા આ બ્રિજ પર 12 વ્યૂહાત્મક ગેલેરીઓ રાખવામાં આવેલ છે જેની મદદથી પ્રવાસીઓ સુંદર દ્રશ્યો નો આનંદ માણી શકશે આ બ્રિજને સુંદર અને મોહક બનાવવા સાંજના સમયે ડેકોરેટિવ લાઇટિંગ પણ લગાવવામાં આવશે જે બ્રિજની મનોહરતા અને સુંદરતામાં વધારો કરશે અને પ્રવાસીઓને આકર્ષક દ્રશ્યો પ્રદાન કરવામાં મદદરૂપ થશે

ફેરી બોટને કેવી અસર થશે ?


સિગ્નેચર બ્રિજના કારણે ફેરી બોટ સેવાને ભારી અસર થશે જેના કારણે ફેરીબોટ ધારકો દ્વારા આ બ્રિજનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ સિગ્નેચર બ્રીજના લોકાર્પણ બાદ જો કોઈ પ્રવાસી ને ફેરીબોટમાં પ્રવાસ કરવો હોય તો તે ફેરીબોટ સેવાનો પણ ઉપયોગ કરી શકશે સિગ્નેચર બ્રિજની સાથે ફેરીબોટ સેવા પણ કાર્યરત રેહશે.

બ્રિજના લોકાર્પણ બાદ બેટ દ્વારકામાં પ્રવાસન ક્ષેત્રે શું વિકસે છે ?


દરિયાની અંદર સબમરીન વ્યુ
ભગવાન શ્રીકૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલાં દરિયામાં ડૂબી ગઈ આ સોનાની નગરી જોવાનું ભક્તો માટે સપનું જ બની ગયું હતું તેથી ગુજરાત સરકાર સોનાની નગરીના દર્શન કરાવવા માટે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાનું નક્કી કર્યું છે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ હેઠળ ભારત સરકારની કંપની મઝગાવ ડોક શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે આ સબમરીનમાં 24 પ્રવાસીઓ બેસી શકશે તથા તેમાં બે પાયલટ બે ડ્રાઇવર એક ટેક્નિશિયન અને એક ગાઈડ રહેશે સબમરીનમાં એર કન્ડિશનર અને મેડિકલ કીટ જેવી સુવિધા પણ હશે આ બંને પ્રોજેક્ટનું નિર્માણ અરબી સમુદ્રમાં કરવામાં આવી રહ્યું છે જેથી આગામી જન્માષ્ટમી સુધી આ બંને પ્રોજેક્ટનું લોકાર્પણ થાય તેવું અનુમાન લાગી રહ્યું છે.

બેટ દ્વારકામાં ફ્લોટિંગ વિલાનું નિર્માણ
ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલાની (તરતું ગામ) દરખાસ્ત કરવામાં આવી છે આ પ્રોજેક્ટ ધરોઇ ડેમ, કડાણા ડેમ અને બેટ દ્વારકામાં વિકસાવવામાં આવનાર છે. ફ્લોટિંગ વિલાના (તરતા ગામના) નિર્માણની સાથે બેટ દ્વરકાને ચાર ચાંદ લાગી જશે અને પર્યટકો તથા સહેલાણીઓ માટે મોજ શોખનું કેન્દ્ર બની રહેશે.

આમ સિગ્નેચર બ્રિજ,સબમરીન વ્યુ અને ફ્લોટિંગ વિલા આ ત્રણેય મહત્વના પ્રોજેક્ટ પર્યટકોને બેટ દ્વારકા તરફ આકર્ષિત કરશે જેથી બેટ દ્વારકા ગુજરાતના જ નહિ પરંતુ ભારતભરના મહત્વના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે અને ગુજરાતની ઇકોનોમી ને પણ વેગ આપશે આમ ગુજરાતના વિકાસ માટે આ ત્રણેય પ્રોજેક્ટ ખૂબ જ અગત્યના અને ખૂબ મહત્વના છે.

જાણો આજના બજાર ભાવ

Leave a Comment