લ્યો બોલો હવે ફાસ્ટટેગ પણ થશે બંધ, હટાવી નાખવામાં આવશે તમામ ટોલબુથ; જાણો તમને કેવી રીતે ઉપયોગી થશે આ નવીનતમ ટેકનોલોજી

હવે તમારે રોડ પર ઉભેલા ટોલબુથ અને ફાસ્ટટેગને કહેવું પડશે બાય બાય કારણ કે ભારત અમેરિકાને ટક્કર આપે તેવી ટોલ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આવનારા સમયમાં મોટા ભાગે દરેક વસ્તુ અને નિયમો ટેકનોલોજી દ્વારા સંચાલિત હશે. ટેક ઇન્ડસ્ટ્રી ખૂબ પ્રગતિ કરી રહી છે અને ઇન્ડસ્ટ્રીમાં અવાર નવાર જાત જાત ના પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ટોલિંગ માટે એક એવી ટેક્નોલોજી પર પ્રયોગ કરવામાં આવ્યુ છે જેમાં તમે જેટલા કિમી ગાડી ચલાવી હોય તેટલા કિમીના જ પૈસા તમારે આપવા પડશે અને તે ડાયરેક્ટ બેંક એકાઉન્ટ માથી કપાઈ જશે.એટલે સરકાર હવે ઇ ટોલબુથ કે વર્ચ્યુઅલ ટોલબુથ બનાવાની તૈયારીમાં છે. જેના પાયલોટ પ્રોજેકટ શરૂ થઈ ગયા છે.

હવે તમારા મનમાં સવાલ ઉદ્ભવતો હશે કે આ ઈ ટોલબુથ વળી શું છે ?તે કેવી રીતે કામ કરશે ?સામાન્ય જનતાને કેવી રીતે ઉપયોગી થશે ? તથા આ ટેકનોલોજીથી સામાન્ય જનતાને ફાયદો થશે કે નુકશાન ? તમારા મનમાં ઉદ્દભવી રહેલા પ્રશ્નોનો ઉત્તર તમને અમેઝિંગ દ્વારકાના આ અહેવાલમાં મળશે.

22 માર્ચ, 2022ના રોજ કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું, હું હવે GPS લાવવા માગું છું કે જેથી હાઇવે પર ટોલબૂથ જ નહીં રહે છતાં ટોલટેક્સની વસૂલાત કરી શકાશે. નવી કારમાં GPS ફરજિયાત છે. એટલે GPSથી રેકોર્ડ થશે કે કોઈ વાહનચાલકે હાઇવે પર ક્યાંથી પ્રવેશ કર્યો અને ક્યાંથી હાઇવે છોડીને અન્ય રસ્તા પર જાય છે. આ અંતરનો હિસાબ કરીને વાહનમાલિકના બેંક એકાઉન્ટમાંથી ટોલટેક્સની રકમ કપાઈ જશે.

નીતિન ગડકરીજી એ જ્યારે ઇ ટોલબુથની વાત કરી ત્યારે GPS (ગ્લોબલ પોઝિશન સિસ્ટમ)ની વાત કરી હતી પરંતુ ગુજરાતમાં જે પ્રયોગ થઈ રહ્યું છે તેમાં NavlC ટેક્નોલોજી નો ઉપયોગ થઈ રહ્યું છે આવું કેમ ?


GPS એ અમેરિકાની ટેકનોલોજી છે જે ભારત વર્ષોથી ઉપયોગમાં લે છે પરંતુ કારગીલ યુદ્ધ સમયે જ્યારે પાકિસ્તાન ના ઘુષણખોરોની ગતિવિધિઓ જાણવા માટે ભારતે GPS નો ડેટા અમેરિકા પાસેથી માંગ્યો ત્યારે અમેરિકાએ ડેટા આપવાની ના પાડી દીધી હતી જેનાથી બોધ લઈને ભારતે પોતાની સ્પેસ એજન્સી ઈસરોને રીજનલ પોઝિશનિંગ સિસ્ટમ બનાવાની કામગીરી સોંપી.


તેથી ભારતીય સ્પેસ એજન્સી ISROએ સફળતા પૂર્વક 7 સેટેલાઈટને લોન્ચ કરીને નેવિગેશન વીથ ઇન્ડિયનકોન્સ્ટલેશન (NavIC) ટેક્નોલોજી બહાર પાડી જે માત્ર ભારત જ નહિ પરંતુ આજુબાજુમાં આવેલા 1500 કિમીના વિસ્તાર પર પણ બાજ નજર રાખે છે. હવે આ ટેકનોલોજી દ્વારા આધુનિક રીતે ટોલ ટેકસ વસૂલી શકાય કે નહિ તેના પ્રયોગો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
બની શકે છે કે ભારતની NavIC આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન અન્ય જાણીતા GNSS જેમ કે યુરોપિયન સ્પેસ એજન્સીની ગેલિલિયો (Galileo), અમેરિકાની GPS, રશિયાની ગ્લોનાસ (GLONASS)ની જેમ કામ કરી શકે છે.

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં પીએમ ગતિશક્તી યોજનાની ચર્ચા અંગેના સેમિનારમાં ISRO ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ઈ ટોલ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે માટે સેટેલાઇટ મેપિંગ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિયલટાઈમ ટ્રેનટ્રેકિંગ સિસ્ટમ, રીયલ ટાઈમ એરક્રાફ્ટ ટ્રેકિંગસિસ્ટમ વગેરે જેવી બાબતો વિશે જણાવ્યું.

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કરાયું પાયલોટ પ્રોજેકટ
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટ માટે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તાથી અડાલજ સુધીનો રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ ઇસ્કોન ચાર રસ્તાથી અડાલજ સુધીના 19 કિલોમીટરના રૂટ પર અને ત્યાંથી ફરી અડાલજથી ઇસ્કોન ચાર રસ્તા સુધી બીજા 19 કિલોમીટર એમ કુલ 38 કિલોમીટર સુધી ખાસ ઇક્વિપમેન્ટ લાગેલી કાર દોડાવવામાં આવી હતી, જેથી આ અંતરનું મેપિંગ કરી શકાય.


આ પાયલોટ પ્રોજેક્ટ બાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું કે દોઢ મહિના પૂર્વે આ પ્રયોગ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પાઇલટ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ કર્યા બાદ એનાં પરિણામો મળ્યાં છે અને તે ડેટા પર હાલ વિશ્લેષણ કરવાનું કામ ચાલી રહ્યું છે.

કેવી રીતે કામ કરશે NavIC ટેકનોલોજી ?

નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન (નાવિક) જેને GPS પણ કહી શકાય.આ સિસ્ટમના માધ્યમથી ઇનોવા કારમાં GPS રિસીવર લગાવીને હાઇવે પર ચલાવવામાં આવી. જેવી કાર આગળ વધવાની શરૂઆત થઈ કે MAP (ઓનલાઈન નકશા) સાથે કો-રિલેટ કરવા લાગી, જે માહિતી મળી તેને સર્વરમાં મૂકવામાં આવી અને બાદમાં અંતર માપવામાં આવ્યું. એમ SAC ના ડાયરેક્ટરે દ્વારા જણાવામાં આવ્યું હતું.

અમેરિકાની GPS કરતા વધારે વિશ્વસનીય હશે NavIC

સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતુ કે NavIC સિસ્ટમ દ્વારા મળેલ ડેટા અનુસાર મૂળ અંતર કરતા માત્ર 1 મીટરનો જ ફરક હતો જ્યારે GPS સિસ્ટમમાં 5 થી 10 મીટરનો અંતર આવે છે તેથી ISROની NavIC ટેકનોલોજી વધારે વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે.

ફાસ્ટટેગ કેવી રીતે કામ કરે છે?


ફાસ્ટટેગ ટેક્નોલોજીનો પહેલો પ્રયોગ દેશમાં વર્ષ 2016માં થયો હતો, પરંતુ ફેબ્રુઆરી, 2021થી સરકારે ટોલની ચુકવણીના નિયમ હેઠળ આવતાં તમામ વાહનો માટે ફાસ્ટટેગ ફરજિયાત કરી દીધો હતો. જે વાહન પર ફાસ્ટટેગ નથી તેની પાસેથી બમણો ટેલટેક્સ વસૂલવામાં આવે છે.
આ ટેકનોલોજી ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડે વિકસાવી છે. ફાસ્ટટેગમાં રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) કોડ હોય છે. જ્યારે ફાસ્ટટેગ રેડિયો ફ્રિક્વન્સી રિડરના સંપર્કમાં આવે છે ત્યારે વાહનનો નંબર, માલિકનું નામ વગેરે જાણકારી એકત્ર થાય છે અને જે-તે ટોલબૂથ પર થતાં રૂપિયા ફાસ્ટટેગથી લિંક કરવામાં આવેલા એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.

GNSS+NavIC આધારિત ઇ-ટોલિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરશે ?


નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ GNSS-આધારિત ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવી છે. GNSS (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) ટેક્નોલોજી આધારિત ટોલિંગ સિસ્ટમમાં વર્ચ્યુઅલ ટોલ બૂથ હશે. GNSS+NavIC સિસ્ટમના કારણે વાહનોમાં લગાવેલા ડિવાઇઝથી સિગ્નલ પ્રાપ્ત થશે. ત્યારબાદ વાહનચાલકના બેંક એકાઉન્ટ અને વાહનની વિગતો, વાહનનો પ્રકાર અને નોંધણી નંબર સહિતની વિગતો ડિવાઇઝમાં નોંધાઈ જશે. કોઈ વાહને ક્યાંથી પ્રવેશ કર્યો અને કેટલા કિલોમીટર ચાલ્યા છે તેનો ડેટા એકત્રિત કરીને જે તે વાહને ટોલટેક્સવાળા હાઇવે પર જેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે તેટલો ટોલ બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. આમ જ્યારે વર્ચ્યુઅલ ટોલ બુથમાંથી વાહન પસાર થશે ત્યારે માહિતી ની આપ લે થઈને ઓટોમેટિકલી ટોલિંગ પ્રક્રિયા શરૂ થઈ જશે.


GNSS કન્સલ્ટિંગડોટકોમના રિપોર્ટ મુજબ, GNSS આધારિત ટોલિંગ સિસ્ટમમાં રોડ પર અલગથી કોઈ ખાસ મશીનરી લગાવવામાં આવશે નહિ પરંતુ એના બદલે વાહનોમાં જ OBU (ઓન બોર્ડ યુનિટ) લગાવેલ હશે, જેનાથી સેટેલાઇટ સુધી સિગ્નલ પહોંચેશે અને વાહને કયા રોડ પર કેટલું અંતર કાપ્યું તે માહિતીના આધારે ટોલટેક્સ કપાશે.
ચાલો ઉદાહરણ સાથે સમજીએ

  1. કોઈ વ્યક્તિ અમદાવાદ થી વડોદરાના હાઇવે પર જઈ રહ્યું છે અને આ હાઇવે પર જ્યાં વર્ચ્યુઅલ ટોલ હશે ત્યાં વાહનમાં લાગેલા OBU અને સેટેલાઇટ વચ્ચે માહિતીની આપ-લે થશે અને વાહનની ટોલવાળા રસ્તા પર એન્ટ્રી ગણાશે. ત્યાંથી જ્યારે આ વાહન વડોદરા પહોંચતાં હાઇવે પરથી ઊતરશે તો સેટેલાઇટને મળેલા સિગ્નલ મુજબ તેની એક્ઝિટ ગણાશે અને ટોલટેક્સનો હિસાબ થઈ જશે.
  2. થોડા દિવસ અગાઉ ચર્ચામાં આવેલા મોરબીના વઘાસિયા ગામ નજીક નકલી ટોલમાં એવું થતું કે લોકો ટોલપ્લાઝા બાયપાસ કરીને ફરી આગળ જઈ હાઇવે પર ચડી જતા હતા, પરંતુ સેટેલાઇટ આધારિત ઇ-ટોલિંગ સિસ્ટમમાં જ્યારે વાહન મુખ્ય હાઇવે પરથી ઊતરશે એટલે એની એક્ઝિટ ગણાશે અને પછી જો બે કિલોમીટર બાયપાસ લઈને ફરીથી હાઇવે પર ચડે તો એની રિએન્ટ્રી ગણાશે. એટલે ટોલથી બચી શકેશે નહિ.

વર્ચ્યુઅલ ટોલપ્લાઝા કેટલું ફાયદાકારક હશે અને કેટલું નુકશાન કારક?


આ નવી ઇ-ટોલિંગ સિસ્ટમ લાગુ થશે તો સૌથી મોટું પરિવર્તન એ આવશે કે હાઇવે પર ટોલપ્લાઝા રહેશે જ નહીં, કારણ કે વર્ચ્યુઅલ ટોલ માટે કોઈ બાંધકામની જરૂર નહીં હોય. તમામ હાઇવે ટોલપ્લાઝાવિહોણા થઈ જશે.અને ક્યાંય ગેરરીતિ પણ નહિ થઇ શકશે. આ વ્યવસ્થાનું એક નકારાત્મક પાસું એ પણ છે કે ટોલબૂથ પર નોકરી કરતા લોકોની રોજગારી છીનવાઈ શકે છે.

આમ ભારતની નવી અને અતિ આધુનિક શોધથી ગેરરીતિ બંધ થશે તથા સરકાર માટે ઘણી ફાયદારૂપ થશે જે વિકાસમાન ભારતને વિકસિત ભારત તરફ લઈ જશે.

Leave a Comment