દ્વારકાના દરિયામાં કરંટ વધ્યો: હર્ષદ ગામમાં મુખ્ય બજારોમાં પાણી ઘૂસ્યા, વધુ 900 લોકોનું સ્થળાંતર

દ્વારકાના દરિયામાં કરંટ વધ્યો: બિપોરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં રૌદ્ર રૂપ ધારણ કરવા સાથે વધુ મજબૂત બન્યુ હોય રોજમરોજ દિશા બદલતું વાવાઝોડું સંભવત, ગુજરાત સાથે ટકરાઈ તેવી સંભાવના જોતાં રાજયના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર જેવા જિલ્લાઓમાં તંત્ર હાઈ એલર્ટની મુદ્રામાં આવી ગયું છે. દ્વારકા જિલ્લામાં દરમિયામાં કરંટ વધતા રવિવારે બપોર બાદ હર્ષદ ગામમાં મુખ્ય બજારોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતાં, અાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી અને જિલ્લામાં વધુ 900 લોકોનું સ્થળાંતર કરાયું છે. જિલ્લાની સરકારી અને ખાનગી શાળામાં સોમ અને મંગળની રજા જાહેર કરવામાં આવી છે.

હર્ષદ ગામમાં મુખ્ય બજારોમાં પાણી ઘૂસ્યા

આ અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મીટીંગ બાદ દ્વારકા શહેરના ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, સનસેટ પોઈન્ટ, ભડકેશ્વર મહાદેવ સહિતના દરીયાઈ પટ્ટીમાં સહેલાણીઓ માટે નો એન્ટ્રીની પોલીસ તેમજ હોમગાર્ડઝ, જી.આર.ડી., એસ.આર.ડી.ના જવાનો ચુસ્તતાથી અમલવારી કરાવી રહયા છે.

900 લોકોનું સ્થળાંતર

દ્વારકાના રૂપેણ બંદર તેમજ નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે, શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહયા છે. રૂપેણના માચ્છીમારો પૈકી હાલ કોઈ સમુદ્રમાં ફીશીંગ હેતુ ગયેલ ન હોય તેમજ તમામ માચ્છીમારી બોટ સલામત સ્થળે લાંગરી લીધી હોય એ અંગે વહીવટી તંત્રએ હાંશકારો લીધો છે.

ઓખા બંદર પર હાલ ચાર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જગતમંદિરના વારાદાર પુજારી દ્વારા ભગવાન દ્વારકાધીશને વાવાઝોડાને શાંત કરવા વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. બેટદ્વારકામાં લાઇટ માટે વિજતંત્ર દ્વારા દરિયામાંથી વીજ દોરડા નાખવામાં આવેલ છે. હાલ દરિયામાં વધુ કરંટ હોવાથી, મોજા વધુ ઉછળતા હોવાથી આ વિજ દોરડા ગમે તે ઘડીએ તૂટી શકવાની શક્યતા રહેલી છે. વાયર તુટતા બેટ દ્વારકામાં અંધારપટ છવાઈ જવાની ભીતી વચ્ચે પીજીવીસીએલ દ્વારા 15 જેટલા જનરેટર સેટ બેટદ્વારકામાં મોકલવામાં આવી રહ્યા છે.

Leave a Comment