કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની દેવભૂમિ દ્વારકાની મુલાકાત, વિગતે જાણો કેટલા અને ક્યા ક્યા વિકાસકામની કરી મુલાકાત

Amazing Dwarka: પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સ્થળ પર જઇને નિરિક્ષણ કર્યું હતું. તેઓએ અધિકારીઓ સાથે રહીને ચાલી રહેલી કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં ભીમગજા સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત કરી હતી અને કામગીરી અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં નિર્માણાધીન સાની ડેમની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.ગાંધવી ખાતે નિર્માણાધીન ડિસેલિનેશન પ્લાન્ટની મુલાકાત કરી હતી.

ભીમગજા ડેમની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

ઓખામંડળ જુથ યોજના અંતર્ગતની ભીમગજા સુધારણા જુથ પાણી પુરવઠા યોજનામાં કુલ-૧૮ ગામો તથા એક શહેરનો (ઓખા શહેર) સમાવેશ થયેલ છે. હાલ આ યોજનાનુ કામ પ્રગતિમાં છે અને ફિઝીકલી ૮૬% કામગીરી પૂર્ણ થયેલ છે. આ યોજનાની પાઈપલાઈનમાં ભીમગજા હેડવર્કસથી બેટ જતી ૨૮૦ એમ.એમ વ્યાસની પીવીસી પાઈપલાઈનની પથ રેખા ટાટા કેમીકલ્સની માલિકીની જમીનમાથી પસાર થાય છે. ટાટા કેમીકલ કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી કેબિનેટ મંત્રી દ્વારા મંજુરી માટે જરુરી સુચના આપવામા આવી હતી. તેમજ યોજના અંતર્ગતનાં ભીમગજા હેડવર્કસ થી આરંભડા હેડવકર્સ સુધી નાંખવાની થતી ૭૦૦ એમ.એમ વ્યાસની ડી.આઈ પાઈપલાઈનમાં ટાટા કેમીકલ્સ કંપનીના પાડલી પાસે ટાટા કંપનીની પાઈપલાઈનોના ક્રોસીંગ પોઈન્ટની તથા કંપનીનાં હાથી કેનાલ ક્રોસિંગનાં કામની સ્થળ મુલાકાત લઈ કામનું નિરિક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતાં.

ત્યારબાદ યોજના હેઠળનાં ભીમગજા હેડવર્કસ તથા ભીમગજા ડેમની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ મુલાકાત સમયે દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રૂ. ૩૧ કરોડ કરતા વધુ ખર્ચે નિર્માણાધિન સાની ડેમનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. જેની સંગ્રહ ક્ષમતા ૧૩૭૭ મિલિયન ક્યુબેક ફીટ છે અને ૧૭ દરવાજાઓ બનાવવામાં આવશે. સાની ડેમના પાણીથી આજુબાજુના ૯ જેટલા ગામોને સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે.

ડી-સેલીનેશન પ્લાન્ટની મુલાકાત કરી

રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવાના હેતુથી સ્થાનિક જરૂરીયાત મુજબ દરીયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટેના “ડી-સેલીનેશન પ્લાન્ટ” સ્થાપવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તે અંતર્ગત દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ ખાતે રોજનું ૭ કરોડ લીટર પ્રતિદિન માટે “ડી-સેલીનેશન પ્લાન્ટ”બનાવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ પાણી મેળવીને હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, દ્વારકા તાલુકાના અને પોરબદર જીલ્લાના પોરબંદર તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના અંદાજીત ૬ લાખ લોકોને પાઇપલાઇન દ્વારા ડી સેલીનેટેડ પાણી આપી શકાશે અને જળસલામતીમાં વધારો કરી શકાશે.

શિવરાજપુર ખાતે ટૂરિસ્ટ કાર્યોનું નિરિક્ષણ કર્યું

તેમણે શિવરાજપૂર ખાતે અંદાજે રૂ. ર૩.૪૩ કરોડના ખર્ચે ફેઇઝ-૧ અંતર્ગત અરાઇવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઇલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. ફેઇઝ-૧ ના કામો પૈકી ૬૫ ટકા કામો પૂર્ણ થઇ ગયા છે. કેબિનેટ મંત્રીએ આ કામો વહેલાસર પૂર્ણ કરી પ્રવાસીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટેના પ્રેરક સૂચનો કર્યા હતા. શિવરાજપૂર ખાતે ફેઇઝ-ર માં વિવિધ ટુરિસ્ટ ફેસેલીટીઝના રૂપિયા ૭૧.૮૦ કરોડની કિંમતના કામોની વિગતો પણ મંત્રીને આપી હતી. ફેઝ-૨ માં હાલ ૫૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. કેબિનેટમંત્રીએ હાઇ-વેથી શિવરાજપૂર પહોચવા માટેના રોડની માર્ગ-મકાન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરી પણ નિહાળી હતી. પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે ૪૦ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું ૮૫ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.

મેરી માટી, મેરા દેશ કાર્યક્રમમાં આપી હાજરી

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૧ થી શરૂ થયેલી આઝાદીના અમૃત મહોત્સવની યાત્રા હેઠળ રાષ્ટ્રહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં તમામ નાગરિકોએ સહભાગી બની દેશને આઝાદ કરાવવામાં શહીદી વહોરનાર અનેક વીરો અને વીરાંગનાઓને વંદન કરીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૦ ગ્રામ્ય વિસ્તારોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો છે. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંહિની માટીને નમન, વીરોને વંદન કરું છું.

જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે મળેલી આઝાદી ખૂબ મૂલ્યવાન છે. આઝાદી મેળવવામાં અનેક વીરો, વીરાંગનાએ બલિદાન આપ્યાં છે. આ બલિદાન આપનારા વીરો, વીરાંગનાઓને યાદ કરી માટીને નમન અને વીરોને વંદન કરવા માટેનો આ અવસર છે. આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ, શીલાફલકમ અનાવરણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, ધ્વજવંદનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Leave a Comment