દેવભૂમિ દ્વારકામાં આવેલા પૌરાણિક શિવ મંદિરો, એક વખત દર્શન કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ

Amazing Dwarka: ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. 17 ઓગસ્ટથી શરૂ થયેલા શ્રાવણ માસ નીમીતે એક મહિના સુધી શિવાલયોમાં ભક્તો ઘી, જળાભિષેક, બિલ્લીપત્રથી મહાદેવની ભક્તિમાં લીન થઇ જશે. સમગ્ર દેશમાં એક પણ એવું ગામ નહીં હોય જ્યાં ભગવાન શિવનું મંદિર ન હોય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક મહાદેવના મંદિરો આવેલા છે. દ્વારકાધીશ અને ભગવાન શંકર બંને એક બીજાના પુરક છે. દેવભૂમિ દ્વારકામાં અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા છે જે મહાભારતકાળથી લઇને રામાયણ સમયના હોવાનું કહેવામાં આવે છે. કેટલાક તો એવા મંદિરો છે જેની સ્થાપના ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. અહીં આપણે દેવભૂમિ દ્વારકામાં આવેલા શિવ મંદિરો વિશે ટૂંકમાં વાત કરીશું…

નાગેશ્વર મંદિર

વાત કરીશે દેવભૂમિ દ્વારકાથી નજીક આવેલા મંદિરોની તો સૌપ્રથમ કૃષ્ણ મંદિરથી માત્ર 14 કિમીના અંતરે નાગેશ્વરધામ મંદિર આવેલું છે. અહીં શિવજીની વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ખુદ અહીં મહાદેવની પુજા કરવા આવે છે.

ભડકેશ્વર મહાદેવ મંદિર

કૃષ્ણ નગરી દ્વારકામાં દરિયાના કાંઠે જ ભડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. કહેવાય છે કે એક માત્ર શિવજીનું મંદિર છે જે દરિયામાં આવેલું છે. આ પૌરાણિક મંદિર ભરતી દરમિયાન દરિયામાં સમાય જાય છે તેમ છતા આજદીન સુધી શિવલિંગને કોઇ નુકશાન પહોંચ્યું નથી.

ખામનાથ મહાદેવ મંદિર

તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ અનેક પૌરાણિક મહાદેવ મંદિરો આવેલા છે, જેમાં સૌથી પહેલા વાત કરીએ ખામનાથ મહાદેવ મંદિરની તો આ મંદિર અંદાજે 500 વર્ષ જૂનું છે. દુનિયામાં એક માત્ર મંદિર છે જ્યાં ઘીથી મૂર્તિની પુજા કરવામાં આવે છે.

રામનાથ મહાદેવ મંદિર

રામનાથ મહાદેવ

જામખંભાળિયામાં આવેલું રામનાથ મહાદેવ મંદિર પૌરાણિક મંદિરોમાંથી એક મંદિર છે. અહીં દર વર્ષે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે, જેમાં આસપાસના ગામના લોકો ઉમટી પડે છે. આ મંદિરે શ્રાવણ મહિનામાં તો ભીડ રહે છે પરંતુ સાથે સાથે અન્ય દિવસોમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

તુંગેશ્વર મહાદેવ મંદિર

બરડા ડુંગરની હારમાળાઓમાંથી એક ડુંગર પર બિરાજમાન છે તુંગેશ્વર મહાદેવ મંદિર. તુંગ નામના ડુંગર પર મહાદેવ બિરાજમાન હોવાથી તુંગેશ્વર નામ પ્રચલિત બન્યું છે. આ અનોખા મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આસપાસ સુંદર નજારો જોઇને લોકોનું મન પ્રભાવિત થઇ જાય છે.

ધીંગેશ્વર મહાદેવ મંદિર

શ્રાવણ મહિનો શરૂ થતાં જ દાત્રાણા ગામમાં આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. કહેવાય છે કે આ મંદિર મહાભારત કાળ જેટલું જૂનું છે. પૌરાણિક હોવાની સાથે સાથે તેની આસપાસનો નજારો પણ જોવા લાયક છે. આથી જ તો મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે.

શરણેશ્વર મહાદેવ મંદિર

જામ ખંભાળિયાની વચ્ચોવચ્ચ બિરાજમાન મહાદેવના આ મંદિરનું નામ શરણેશ્વર મહાદેવ મંદિર છે. શ્રાવણ મહિના સિવાય પણ અહીં ભક્તોની ભીજ જોવા મળે છે. સૌથી પ્રાચિન મંદિરોમાં શરણેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.

કોટેશ્વર મહાદેવ

નામ પ્રમાણે જ આ મંદિર કોટા ગામે આવેલું હોવાથી તેનું નામ કોશ્વર મહાદેવ મંદિર પડ્યું છે. જામ ખંભાળિયામાં આવેલા મંદિરોમાં કોટેશ્વર મંદિર પૌરાણિક મંદિર છે. અહીં શ્રાવણમાસ દરમિયાન ભક્તો જળાભિષેક અને બિલ્લીપત્ર ચડાવી ભોળાનાથની પુજા કરે છે.

કિલેશ્વર મહાદેવ મંદિર

જામનગરથી 50 કિલોમીટર દૂર બરડા ડુંગરની હારમાળા વચ્ચે પૌરાણિક મંદિર છે કિલેશ્વર મહાદેવ મંદિર. આ મંદિરની સ્થાપના જામ સાહેબે કરી હતી. કિલ ગંગા કાંઠે આવેલી હોવાથી આ મંદિરનું નામ કિલેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું હતું.

રામેશ્વર મહાદેવ મંદિર

જામ ખંભાળિયામાં આવેલા જલારામ મંદિરના પરિષરમાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. અહીં શ્રાવણમાસ દરમિયાન વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન દિવસમાં ચાર વખત શિવજીની આરતી કરવામાં આવે છે.

1 thought on “દેવભૂમિ દ્વારકામાં આવેલા પૌરાણિક શિવ મંદિરો, એક વખત દર્શન કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ”

Leave a Comment