Amazing Dwarka; રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બહેનો માર્કેટમાંથી ભાઈઓ માટે રાખડીની ધુમધામ ખરીદી કરી રહી છે. ત્યારે ખંભાળિયાના કેશોદમાં એક કરૂણ ઘટના સામે આવી છે. કેશોદ ગામના વન વગડામાં ભેંસો ચરાવવા ગયેલા ભરવાડ સમાજનો 8 વર્ષીય ભાઈ અને 10 વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. રક્ષાબંધન પહેલા જ ભાઈ-બહેનના કરુણ મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ભરવાડ પરિવારના ભેસો સાથે નીકળેલા 8 અને 10 વર્ષના ભાઈ-બહેન ભેંસ પાછળ જતા ચરાવવા જતી વખતે નદીમાં પાસે એક તળાવના ખાડો હોય ત્યાં નાહવા ગયા હતા. આ દરમિયાન બંને ભાઈ બહેન તળાવમાં ગરકાવ થઈ ગયા હતા. બંને ભાઈ-બહેનના તળાવમાં ડુબી જવાથી મોત નીપજતા પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો.
જો કે સમગ્ર ઘટનાની જાણ કેશોદના સરપંચને થતાં તેમને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ નજીકના લોકોએ પાણીમાં ઉતરી અને આ બંનેને કાઢી ખંભાળિયા હોસ્પિટલમાં પહોંચાડેલા હતાં. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ
આજે અધિક માસની અમાસ અને આજે અધિક માસનો છેલ્લો દિવસ છે. ત્યારે રક્ષાબંધન પહેલા ભાઈ-બહેનના મોત થતાં કેશોદ અને ભરવાડ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાય છે. ગામમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.