દ્વારકાધીશના મંદિરે 12 વર્ષ બાદ ફરી આ ઘટના ઘટી, શિખર પર ધ્વજાજી ન ફરકતાં ભક્તોમાં સર્જાયું ભારે કુતુહલ

Amazing Dwarka: ચાર ધામમાંથી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રી કૃષ્ણ મંદિરે દર વર્ષે લાખો ભક્તો શીશ ઝૂકાવવા આવે છે. ભગવાન કાળિયાઠાકરના દર્શનની સાથે સાથે જગત મંદિરે ધ્વજાજી ચડાવવાનું પણ એટલું જ ખાસ મહત્વ રહેલું છે. હાલમાં જ દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો જેમાં દરરોજ જગત મંદિરે 6 ધ્વજા ચડાવવામાં આવશે. 6 ધ્વજા ચડાવવા છતા પણ અનેક ભક્તોનું છ મહિનાનું વેઇટિંગ લિસ્ટમાં નામ હોય છે. 52 ગજની ધ્વજાજીથી જગત મંદિર રડિયામણું લાગે છે. જો કે હાલમાં જ દ્વારકાધીશના મંદિરે એક આશ્ચર્યજનક ઘટના સર્જાઇ હતી. જેમાં એવું બન્યું કે મંદિરનું શિખર થોડા સમય માટે મંદિર પર દંડ અને ધ્વજાજી વગર જોવા મળ્યું હતું. આ ઘટનાથી ભક્તોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.

કેમ ધ્વજા વગરનું શિખર રહ્યું ?

દેવભૂમિ દ્વારકાના જગત મંદિરે સોપારીના જ દંડ પર ધ્વજાજી ફરકાવવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડા અને વરસાદની સીઝનમાં વીજળી પડવાથી આ દંડમાં નુકશાની આવી ગઇ હતી. જોગાનુજોગ આજે આ દંડ બદલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દંડ બદલાવતી વખતે શિખર પર ધ્વજા જી ચડાવવામાં આવ્યા ન હતા. આ વાતની અજાણ ભક્તોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. જો કે થોડા જ સમય બાદ ફરી રાબેતા મુજબ 52 ગજના ધ્વજાજી લહેરાતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બાવન ગજની ધજા ફરકતીને હજારો નમતાં શીશ, છપ્પન પગથિયે સ્વર્ગ મળે એને મળે દ્વારીકાધીશ,…દર વર્ષે જ્યાં લાખો ભક્તો શીશ ઝૂકાવે છે એવા આસ્થાના પ્રતિક દેવભૂમિ દ્વારકામાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે હવેથી દરરોજ 6 ધ્વજાજી ફરકશે તેવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે દેશમાં ક્યાંય એવું મંદિર નહીં હોય જેની ધ્વજા પાછળ કેટલાક તથ્યો કે વાત છૂપાયેલી ન હોય, એક માત્ર દ્વારકાધીશની ધ્વજા વિશિષ્ઠ મહત્વ ધરાવે છે. 52 ગજની આ ધ્વજા તમે દ્વારકાથી થોડા કિમી દૂર હોય ત્યારથી જ દેખાવાની શરૂઆત થઇ જાય છે. ચારધામમાંથી એક ધામ એવા દ્વારકાની ધ્વજા હંમેશા પશ્ચિમ તરફ જ ફરકે છે, આજે પણ આ વાત વિજ્ઞાનિકો માટે રહસ્યમય છે. જો કે હંમેશા ભક્તોની વ્હારે રહેતા દ્વારકાના દેવની 52 ગજની આ ધ્વજાની ખાસિયત અંગે આજે આપણે અહીં ચર્ચા કરીશું.

દ્વારકા જગત મંદિરે મુખ્ય બે પ્રવેશ દ્વાર છે, મુખ્ય પ્રવેશ દ્વારને મોક્ષ દ્વાર અને બીજાને સ્વર્ગ દ્વાર કહેવામાં આવે છે. મંદિરનું બાંધકામ 5 માળની ઇમારત જેટલું ઉંચું છે. તો મંદિરમાં રહેલા સ્તંભ 78.3 મીટર ઉંચા છે. તો આ મંદિર પર ફરકતી ધ્વજા 52 ગજની હોય છે. જેમ મંદિરનું ખાસ મહત્વ છે તેવી જ રીતે મંદિર પર લહેરાતી ધ્વજાનું પણ ખાસ મહત્વ રહે છે. જ્યારે ધ્વજા બદલાવવામાં આવે ત્યારે ભક્તોને ઉપર જોવાની મનાય હોય છે. અને તમને જાણીને નવાઇ લાગશે કે દેશમાં બીજું એવું એકપણ મંદિર નહીં હોય જ્યાં ધ્વજા અર્પણ કરવામાં 6 મહિનાનું વેઇટિંગ હોય.

જગત મંદિરે ભગવાન દ્વારકાધીશને બધા જ ભક્તો ધ્વજા અર્પણ કરી શકે છે, પરંતુ આ ધ્વજાજીને શિખર પર જઇને બાંધવાનું કામ માત્ર અબોટી બ્રાહ્મણ જ કરે છે. દ્વારકામાં બ્રાહ્મણોની આ જ્ઞાતિ વર્ષોથી ભગવાન દ્વારકાધીશ મંદિરની પુજાપાઠ વિધિનું કામ કરે છે. નિયમ પ્રમાણે જે ભક્તને ધ્વજા ચડાવવાની તક મળે તે વાજતે ગાજતે મંદિરે ધ્વજા લઇને પહોંચે છે, ત્યારબાદ ગુગળી બ્રાહ્મણ આ ધ્વજા મંદિરમાં પુજા વિધિ કરે છે, ત્યારબાદ અબોટી બ્રાહ્મણ આ ધ્વજા લઇને મંદિરના શિખર પર ચડાવે છે.

દ્વારકાધીશ મંદિરમાં લહેરાતી ધ્વજા ખુબ જ ખાસ હોય છે. તેની સાઇઝ નક્કી જ હોય છે જે 52 ગજની જ હોય છે. 52 ગજ જ કેમ તેની પાછળ એવું કહેવાય છે કે દ્વારકામાં 56 યાદવોએ રાજ કર્યું હતું. જેમાં શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન આ ચાર ભગવાન હોવાથી તેમના મંદિરો છે. જ્યારે અન્ય 52 યાદવોના પ્રતિક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા લહેરાવામાં આવે છે. એટલું જ નહીં મંદિરમાં પ્રવેશવા માટે પગથિયા પણ 56 જ છે. મંદિરમાં જેટલી વખત આરતી થાય તેટલી વખત ધ્વજા બદલાવવામાં આવે છે. દ્વારકાધીશના મંદિરે પાંચ વખત આરતી કરવામાં આવે છે. જેમાં સવારે 7.30 વાગ્યે, સવારે 10.30 વાગ્યે, સવારે 11.30 વાગ્યે અને સાંજે 7.45 વાગ્યે અને શયન આરતી 8.30 વાગ્યે થાય છે. નવા નિયમ મુજબ હવેથી છ વખત ધ્વજા ચડાવવામાં આવશે.

કેવી રીતે થાય છે ધ્વજાનું બૂકિંગ

ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધ્વજાની ખાસ વાત છે. દ્વારકામાં નક્કી કરેલા દરજી પાસે જ આ ધ્વજા તૈયાર થાય છે. ધ્વજામાં સૂર્ય અને ચંદ્ર હોય છે, જેનો અર્થ એ થાય કે જ્યાં સુધી ચંદ્ર અને સુર્ય રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. તો ભગવાન દ્વારકાધીશની ધ્વજામાં હંમેશા મુખ્ય સાત કલર જ જોવા મળશે, જેમાં લાલ, લીલો, પીળો, ભગવા, સફેદ, વાદળી કલરનો સમાવેશ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે રાજાધિરાજ ભગવાન કાળિયા ઠાકરને ધ્વજાજી ચડાવવા માટે એડવાન્સ બૂકિંગ કરાવવું પડે છે. બૂકિંગ કરાવ્યા બાદ પણ તમારો નંબર 6 મહિના કે એક વર્ષ બાદ આવી શકે છે. જો તમે પણ દ્વારકાધીશને ધ્વજાજી ચડાવવા ઇચ્છતા હોવ તો તમારે મંદિરની વ્યવસ્થાપન સમિતિનો સંપર્ક કરવાનો રહે છે. તમે ફોન પર પણ બૂકિંગ કરાવી શકો છો. તો મંદિર સમિતિ દ્વારા ટૂંક સમયમાં જ એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે, જેમાં તમે ઘર બેઠા ધ્વજા ચડાવવા માટે બૂકિંગ કરી શકશો.

Leave a Comment