આર્મીમાં જોડાવવું છે ? તો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે આ માહિતી, ફટાફટ વાંચી લ્યો

Amazing Dwarka: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 દરમિયાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટ્રી ફોર્સિસની ભરતી પૂર્વ શારીરિક, માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રોજગાર કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવ્યું છે. આ તાલીમમાં જોડાવવા ઇચ્છતા દ્વારકા જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર, વિનિમય કચેરી, દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સ્વખર્ચે પોતાની સંમતિ આપી જવા જણાવવામાં આવ્યું છે.

યોગ્યતા શું જરૂર પડશે ?

આ તાલીમ વર્ગ જામખંભાળિયામાં નિઃશુલ્ક યોજવામાં આવશે, જેમાં રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. આ તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત ધો-10માં 45 ટકા સાથે અથવા ધોરણ-12માં 50 ટકા સાથે અથવા કોઇપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઇએ. ઉંમર 17.5થી 23 વર્ષ અને શારીરિક યોગ્યતામાં ઉંચાઇ-162 સે.મી હોવી જોઇએ. વજન 50 કિલો અને છાતી ફુલાવ્યા વગર 77 સે.મી. અને ફુલાવેલ 82 સે.મી. હોવી જોઇએ. તાલીમમાં શારીરિક યોગ્યતા માટે ઉંચાઇ વજન, છાતી તથા શારીરિક કસોટી જેવી કે દોડ, લાંબી કુદ, પુલ અપ, વગેરેની ભરતીને અનુરૂપ ફિઝિકલ તાલીમ આપવામાં આવશે.

ક્યાં સંપર્ક કરવો ?

અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઇ શકશે નહીં. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઇનલ સિલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમ વર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment