ધ્રોલના શહીદ વીર રવિન્દ્રસિંહની અંતિમયાત્રામાં ગુંજ્યા ભારત માતા કી જયના નારા, આખું ગામ હિબકે ચડ્યું

Amazing Dwarka: દેશ માટે સરહદ પર ફરજ બજાવતા જવાન ખુબ જ મહત્વના હોય છે. જો કે જ્યારે જવાન શહીદ થાય છે ત્યારે કઠણ કાળજા પણ પીગળી જાય છે અને આંખમાંથી આંસુ વહેતા થઇ જાય છે. આવી જ એક ઘટના જામનગરમાં જોવા હતી. જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવિન્દ્રસિંહ હનુભા પંજાબમાં વીર ગતિ પામતા માદરેવતનમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તો શહીદ વીર જવાનનો પાર્થિવદેહ માદરે વતન પહોંચતા ગામ આખુ હિબકે ચડ્યુ હતું. માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયેલા જવાનની ગામ લોકોએ સજ્જડ બંધ પાડીને શહીદ યાત્રા કાઢવામાં આવી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા અને લોકોએ દેશભક્તિના ગીત અને ત્રિરંગા સાથે સલામી આપી હતી. તો વીર જવાનના પરિવારજનોમાં હૈયાફાટ રુદન થતાં આસપાસનું વાતાવરણ પણ શોકમગ્ન બન્યું હતું.

પંજાબના ભટિન્ડામાં ફરજ બજાવતા હતા

પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવિન્દ્રસિંહ હનુભા આર્મીની EME પાંખમાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતા હતા. ત્યારે તેઓ પંજાબના ભટીન્ડામાં ચાલુ ફરજ દરમિયાન વીરગતી પામ્યા હતા. જેથી પાર્થિવ દેહ માદરે વતન લાવવામાં આવ્યો હતો. જ્યા ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદ જવાનને શ્રધ્ધાજલિ અર્પી હતી. પરિવારજનોના હસ્તે જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શહીદ જવાનની ફાઇલ તસવીર

વીર જવાનની અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું

વીર શહીદની અંતિમયાત્રામાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવાયા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં ગામ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. વેપારીઓ અને ગામજનોએ બંધ પાડી અંતિમયાત્રામાં જોડાયા હતા અને શહીદ જવાનને શ્રદ્ધાંજલી અર્પી હતી.

કેવી રીતે વીર ગતિ પામ્યા

વીર શહીદ રવિન્દ્રસિંહના કાકાએ જણાવ્યું કે રવિન્દ્રસિંહ રજા પર ઘરે આવવા નીકળ્યા ત્યારે રેલવે સ્ટેશન પર તકલીફ શરુ થતા આર્મીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જો કે અહીં તેઓએ અંતિમ શ્વાશ લીધા હતા. પરિવારમાં પત્ની, માતા-પિતા અને એક નાનો ભાઈ છે. નાનો ભાઈ પણ CRPF માં ફરજ બજાવે છે.

ભીની આંખે શહીદને વિદાય

ગામમાં વીર જવાન રવિન્દ્રસિંહ જાડેજાની અંતિમ યાત્રા નિકળતા સૌ કોઇએ ભીની આંખે જવાનને વિદાય આપી હતી. આ બાદ જવાનો અને પોલીસ કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદ રવીન્દ્રસિંહ જાડેજાએ શ્રધ્ધાજલિ અર્પી હતી. અને પરિવારજનોના હસ્તે જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

Leave a Comment