Amazing Dwarka: ન જાણ્યુ જાનકી નાથે કાલ સવાલે શું થશે, પળવારમાં શું થાય એ કોઇને ખબર હોતી નથી. ખાસ કરીને આજના ભાગદોળ ભર્યા જીવનમાં ક્યારે કોને કાળ ભેટી જાય તે નક્કી જ નથી રહેતું. ખાસ કરીને ચોમાસાની સીઝન દરમિયાન વીજ પોલથી તો દૂર જ રહેવું જોઇએ. કારણ કે ભેજવાળા વાતાવરણને કારણે વીજ કરંટનો પ્રવાહ દોડતો થઇ જાય છે અને વીજ શોક લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સામે આવી છે. જેમાં પોતાની જણસ લઇને આવેલા એક આશાસ્પદ યુવકનું માર્કેટિંગ યાર્ડમાં વીજ શોક લાગવાથી કરુમ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.
ઘટના સ્થળે જ યુવકનું કરુણ મોત
પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં એક કાળજુ કંપાવનારી ઘટના બની હતી, જેમાં યાર્ડની અંદર એક વીજ પોલને અડતાં જ તેમાં વહેતી વીજ પ્રવાહ એક આશાસ્પદ યુવકને ભરખી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાય રહ્યું છે કે વીજ પોલના અર્થિંગના તારને એક યુવક અડે છે ત્યાં જ વીજ કરંટનો ભોગ બને છે. વીજ કરંટ લાગતાં જ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થઇ જાય છે.
મૃતક યુવકની ઓળખ કરાઇ
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી બોલાવવામાં આવી હતી. તો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવક જામજોધપુરમાં ગુરુકૃપા પાઉભાજીની દુકાન ધરાવતા ભરતભાઇ પોપટના પુત્ર ધ્રુવિલ પોપટ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બનાવને લઇને પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.