શું તમને ખબર છે સરકારની આ યોજના વિશે ? ઉચ્ચ અભ્યાસ માટે મળે છે આર્થિક સહાય

Amazing Dwarka: આજના ટેક્નોલોજીના યુગમાં શિક્ષણનું ખાસ મહત્વ રહેલું છે. જો કે મોંઘવારીમાં વધારો થતા ઉચ્ચ શિક્ષણ પણ દિવસે ને દિવસે મોંઘું થઇ રહ્યું છે. જો કે સરકારી યોજનાનો લાભ લઇને પણ તમે ઉચ્ચ શિક્ષણ મેળવી શકો છો. ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં છે, જે હેઠળ રૂ.6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આર્થિક સહાય આપવામાં આવે છે.

ક્યા કયા અભ્યાસક્રમ માટે મળે છે સહાય ?

આ યોજના હેઠળ મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ/ટેક્નોલોજી, ફાર્મસી, આયુર્વેદ, નર્સિંગ, પેરા મેડિકલ, ડિપ્લોમા, બીએસસી, બીકોમ, બીસીએ, બીબીએ, બીએ વગેરે જેવા શૈક્ષણિક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.

યોજનાના કેટલાક નિયમ

આ યોજના હેઠળ ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદા, એ પૈકી જે ઓછું હોય તે આર્થિક સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23માં 70,000ના લક્ષ્યાંક સામે 70,085 વિદ્યાર્થીઓને રૂ.373 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આમ, 100.12% સાથે આ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 72,500 વિદ્યાર્થીઓને રૂ.375 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં 22, 813 વિદ્યાર્થીઓને રૂ.144.60 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ થયાથી અત્યારસુધીમાં કુલ 4,21,341 વિદ્યાર્થીઓને રૂ.1884.88 કરોડની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

ખાસ સૂચના :-

રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2023-24 (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)ની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી. વિદ્યાર્થીઓએ પરિણામ ન આવેલ હોય કે વિલંબ થાય તેમ હોય તો પણ એનેક્ષર-૯ ભરીને સમયમર્યાદામાં અચૂક અરજી કરવી. દરેક વિદ્યાર્થીએ ઓરીજીનલ માર્કશીટ આવ્યા બાદ તે અચૂક અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન માર્કશીટ માન્ય રાખવામાં આવશે નહિ. તો આ સમગ્ર યોજનાની વધુ માહિતી કે પુછપરછ માટે તમે રજાના દિવસો સીવાય હેલ્પલાઇન નંબર – ૦૭૯-૨૬૫૬૬૦૦૦, ૭૦૪૩૩૩૩૧૮૧ (૧૦:૩૦ ર્થી ૧૮:૦૦) પર સંપર્ક કરી શકો છો.

Leave a Comment