Eye Conjunctivitis; આંખ આવવાના લક્ષણો શું છે ? તમને આંખ આવી હોય તો તેને મટાડવા શું સારવાર કરવી ?

.

Amazing Dwarka: છેલ્લા કેટલાક સમયથી તમે ઓફિસ કે જાહેરમાં ચમે કેટલાક લોકોને કાળા ચશ્મા પહેરેલા જોતા હશો. ખરેખર આ લોકો આંખ આવવાની બીમારીને કારણે ચશ્મા પહેરીને રાખે છે. આ એક એવી બીમારી છે જે ચેપી છે, આથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે જુઓ તો પણ તેની આંખમાં પણ ચેપ લાગી જાય છે અને તેન આંખ આવી જાય છે. મેડિકલ ભાષામાં આ બીમારીને કંજેંક્ટિવાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીમાં વાયરસ હોય છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. સામાન્ય રીતે આ બીમારીને લોકો ગંભીરતાથી લેતા નથી પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો આ બીમારી ઘાતક પણ સાબિત થઇ શકે છે. સમસ્યા વધુ વકરે એ પહેલા ડોક્ટર પાસે જઇ તેની સારવાર કરાવી લેવી હિતવાહક હોય છે. જો કે આંખ આવતા પહેલા તેના લક્ષણો કેવા હોય અને આંખ આવી ગયા પછી શું કરવું તેના વિશે આવો વિગતવાર ચર્ચા કરીએ.

આંખ આવવી એટલે શું ?

એક પ્રકારના ચેપી રોગને દેશી ભાષામાં આપણે આંખ આવવી તેમ કહીએ છીએ. બીજા શબ્દોમાં તેને આંખનો ફ્લૂ, નેત્રસ્તર દાહ, ગુલાબી આંખ, લાલ આંખ જેવા નામથી ઓળખીએ છીએ. જે વ્યક્તિમાં આ ચેપ લાગે તેની આંખની કિકીની બાજુમાં રહેલો સફેદ ભાગ લાલ થઇ જાય છે. તો આંખમાં ચેપડા પણ આવવા લાગે છે. ઘણીવાર જે વ્યક્તિને આંખ આવી હોય તેને જોવામાં પણ તકલીફ પડતી હોય છે. ઝાંખું દેખાવા લાગે છે. આંખ આવવાનો ચેપનો સૌથી વધુ ખતરો બાળકો, વૃદ્ધો એટલે કે એવા વ્યક્તિ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય.

આંખ આવવા પાછળ કારણ શું ?

આંખ આવવી એ એક પ્રકારે ચેપી રોગ છે. એલર્જી કે વાયરસના કારણે આંખ આવે છે. બીજુ અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે, આથી ભેજવાળા વાતાવરણને કારણે હવામાનમાં બેક્ટેરિયા અને વાયરસ વધુ ઝડપથી ફેલાય છે. બીજા નંબરમાં ભેજવાળા વાતાવરણને કારણે આ બેક્ટેરિયા કે વાયરસ લાંબા સમય સુધી જીવીત રહે છે. શરીરના ખુલ્લા અંગો પર સૌથી વધુ વાયરસ પ્રવેશવાનો ખતરો રહે છે. જેમાં શ્વાસ લેતી વખતે મોઢા કે ગળામાં વાયરસ પ્રવેસે છે. જ્યારે આંખને અસર કરતાં વાયરસ સીધા જ આંખમાં ઉતરે છે.

આંખ આવશે એના લક્ષણો ક્યા ક્યા છે ?

સામાન્ય રીતે આંખ આવે તે પહેલા જ તમને ખબર પડી જશે કે તમારે હવે કાળા ચશ્મા પહેરી લેવા. કારણ કે આંખ આવવાના પ્રાથમિક લક્ષણો એવા છે જેમાં આંખમાં સામાન્ય દુખાવો, આંખમાં ખંજવાળ આવવી, આંખમાં પોપચા જામી જવા, આંખમાંથી પ્રવાહી જેવું પાણી નીકળે અને છેલ્લે પ્રકાશ સામે જોવામાં તકલીફ પડવા લાગે ત્યારે સમજવું કે તમને પણ આંખ આવવાનો ચેપ લાગી ગયો છે.

કેવી રીતે ફેલાય છે આ ચેપી રોગ

ચેપી રોગ હોવાને કારણે કોરોનાની જેમ સીધા સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાઇ શકે છે. તેને વિગતમાં કહીએ તો જ્યારે કોઇ વ્યક્તિની આંખ આવી હોય એ વ્યક્તિએ ભૂલથી પણ આંખ ખંજવાળી હોય અને ત્યારબાદ એ વ્યક્તિએ અડેલી વસ્તુ સ્વસ્થ વ્યક્તિ અડે તો તેને આંખ આવવાની શક્યતા વધી જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે આંખ આવેલા વ્યક્તિની સામે જોવાથી પણ આંખ આવે છે, પરંતુ આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે આંખ સામે જોવાથી આ કેસ નથી ફેલાતો, પરંતુ જે વ્યક્તિને આંખ આવી હોય તેના સ્પર્શથી અન્ય લોકોમાં આ ચેપ ફેલાય છે.

આંખ આવી ગયા પછી શું કરવું ?

સૌથી મહત્વની વાત એ છે કે આંખ આવે ત્યારે સૌપ્રથમ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચેપ થોડા દિવસમાં મટી જશે. બીજું કે આંખ આવે ત્યારે આંખને અડવાનું તદ્દન બંધ કરી દેવું. જો આંખમાંથી સતત પાણી નીકળે તો એક સ્વસ્થ કાપડ વડે તેને સાફ કરવું. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરના અન્ય સભ્યોથી દૂર રહેવું. બીજુ આંખ આવે એ દરમિયાન ચહેરા પર મેકઅપ કે કોઇ વસ્તુ લગાવવી નહીં. દિવસમાં બેથી ત્રણ વખત ગરમ પાણીથી આંખને સાફ કરવી અને આંખ પર સનગ્લાસ પહેરી રાખવા કારણ કે પ્રકાશ સામે આવવાથી આંખમાંથી પ્રવાહી નીકળવાનું પ્રમાણ વધી જશે. તો આંખ આવી ગયા પછી ડોક્ટર દ્વારા જણાવેલા ટીપા લઇ શકો છો, સામાન્ય રીતે આંખ આવવી તે કેસમાં દવાની જરૂ રહેતી નથી, ત્રણ કે ચાર દિવસમાં આંખ પહેલા જેવી થઇ જાય છે. હા, સાવચેતી રાખવાથી અન્ય લોકોને આ ચેપ ફેલાતો રોકી શકાય છે.

Leave a Comment