વન મહોત્સવની શરૂઆત કેવી રીતે થઇ હતી, દ્વારકામાં આ વખતે ક્યા ઉજવાશે વન મહોત્સવ, જાણો

Amazing Dwarka: પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે માનવીનો આદિકાળથી સંબંધ રહ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિ પણ તપોવનની સંસ્કૃતિ તરીકે પ્રસિદ્ધિ પામી છે. ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ ઔષધિય દ્રષ્ટિએ પણ વૃક્ષો પોતાનું આગવું અને અનન્ય મહત્વ ધરાવે છે. આપણે ત્યાં વૃક્ષોને સંતોની પદવી આપેલી છે જે યોગ્ય જ છે. આજના સમયમાં પર્યાવરણ અને પ્રદુષણની જટિલ સમસ્યાઓના નિરાકરણ માટે વૃક્ષારોપણ એ અતિ આવશ્યક ગણાય. વૃક્ષ ઉછેર માટેની પ્રેરણા પૂરી પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક વન નિર્માણનો નવો અભિગમ આપી હરિયાળી ક્રાંતિ માટેનો નવો રાહ ચિંધ્યો હતો. ત્યારબાદથી દર વર્ષે રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ખંભાળિયા વડાત્રાના ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે.

દ્વારકામાં ક્યાં ઉજવણી કરાશે ?

દેવભૂમિ દ્વારકાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 74માં વન મહોત્સવનું આયોજન ખંભાળિયામાં કરવામાં આવ્યું છે. તારીખ 05/08/2023ના શનિવારે સવારે 10 વાગ્યે વડાત્રામાં ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડલ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

શું છે વન મહોત્સવ ?

વર્ષ 2023માં ઉજવાતો વન મહોત્સવ 74મો છે, આજથી 74 વર્ષ પહેલા વર્ષ 1950માં દિલ્હીથી થઇ હતી. દર વર્ષે જુલાઇ મહિના કે તેની આસપાસના દિવસોમાં એક સપ્તાહ સુધી દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વન મહોત્સવની શરૂઆત 1950માં તત્કાલિન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ દિલ્હી ખાતે રાજઘાટ ખાતે વૃક્ષારોપણ કરી કરાવી હતી.

વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો ?

દેશને કાળમુખા દુશ્કાળથી બચાવવા અને પ્રદુષણ ઘટાડવાના લક્ષ્ય સાથે વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જો કે તેનો પાયો 1947માં નંખાયો હતો કારણ કે એ વર્ષમાં જ સૌપ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ જુલાઇ અભિયાન હાથ ધરાયું હતું જેમાં વૃક્ષારોપણની જરૂરિયાત અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દેશની સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓને આ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યું હતું.

Leave a Comment