નાની બાળાઓ જવારા પુજન (મોળાકત) નું વ્રત શા માટે કરે છે ? જાણો શું છે મોળાકત વ્રતનું મહત્વ ?

તહેવારોની હારમાળા લઇ આવનારૂ વ્રત એટલે મોળાકત! આ વ્રતમાં નાની બાળાઓ જવેરા વાવી તેનું પૂજન કરી પાંચ દિવસ મીઠા (નમક) વગરનું ભોજન અને ફરાળ ગ્રહણ કરી છેલ્લા દિવસે રાત્રીના ૧૨ વાગ્‍યા સુધીનું જાગરણ કરીને વ્રતને વિરામ આપવામાં આવે છે. આ વ્રતની શરૂઆત થયા પછી જયાપાર્વતી, એવરત જીવરત, ફુલકાજળી સહીતના વ્રતોની હારમાળા શરૂ થાય છે. આખો શ્રાવણ માસ બહેનોને વ્રત તહેવારોની ભરમાર રહે છે. આજે અગીયારસના મોળાકતના વ્રતનો પ્રારંભ થયો છે.

  • નાની બાળાઓ કરતી વ્રત મોળાકત ‘ગૌરી વ્રત’
  • પ્રકૃતિનું પણ રક્ષણ : વ્રતનું મહત્વ


ગૌરીવ્રતના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. જેણે આપને મોળાકત થી ઓળખીએ છીએ. અષાઢ મહિનો શરૂ થતા જ અનેક તહેવારો શરૂ થાય છે. ગુજરાતમાં બાળકીઓ આ વ્રત ખુબ જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવે છે.
ગૌરીવ્રત નાની બાળાઓ કઈ રીતે કરે છે તે જાણીએ :

“ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા,
ને નાગલા ઓછા પડ્યા રે લોલ”


અષાઢ મહિનો શરૂ થાય એટલે આ ગીત ચોક્કસ યાદ આવે. ગૌરી વ્રત એટલે કે મોળાકત એ નાની દીકરીઓ દ્વારા કરવામાં આવતું વ્રત છે. આ વ્રત અષાઢ મહિનાની અગિયારસ થી પૂનમ સુધી એમ પાંચ દિવસ કરવામાં આવે છે. આ વ્રતમાં નાની બાળાઓ પાંચ દિવસ મોળું ખાયને કરે છે. આ વ્રતમાં નિમક વર્જિત હોય છે.


ગૌર શું છે તેના વિષે જાણીએ :


અષાઢ માસની અજવાળી પાંચમના દિવસે બાળાઓ ભેગી થઇ છાબડી લાવે છે, ત્યારબાદ ઘઉં, જવ, તુવેર, ડાંગર, તાલ, ચોખા તથા ચણા લાવે છે. આમ સાત અથવા પાંચ ધાન લાવી જુવારા વાવે છે. આ જુવારા એટલે જ ગૌર. જુવારા વાવી તેમાં માટીની સાથે છાણીયું ખાતર પણ નાખે છે અને પાણી છાંટે છે. આમ અગિયાર દિવસ સુધી પાણી છાંટે છે અને અગિયારમે દિવસે જુવારા તૈયાર થઇ જાય છે.


શિવજીની પૂજાનું મહાત્મ્ય


અગિયારમે દિવસે છોકરીઓ વહેલી ઉઠીને સરસ મજાની તૈયાર થઇ ને નવા-નવા કપડા પહેરીને ઘરેથી કંકુ, ચોખા, અબીલ-ગુલાલ, નાગાછડી તેમજ ફૂલ લઈને જુવારા તથા શિવજીના મંદિરે જાય પૂજા કરે છે. આમ વ્રત સારી રીતે કરવાથી દીકરીઓને સારો વર મળે છે એવું કહેવાય છે.


ગામડામાં કરાતુ વ્રત :


ગામડાની છોકરીઓ વેહલી ઉઠી નાહી ધોઈને નદીએ નાહવા જાય છે. નાહવા જતા રસ્તામાં ચાલતા-ચાલતા ગીત ગાય છે.

ગોરમાનો વર કેસરીઓ, નદીએ નાહવા જાય રે ગોરમા
નદીઓના ડહોળા પાણી, સારવાર જીલવા જાય રે ગોરમા.

એમ ગાતિ – ગાતિ છોકરીઓ નાહીને ઘરે આવીને કંકાવટી લે છે. કંકાવટીમાં કંકુ-ચોખા વડે જુવારાનું પૂજન કરે છે, ત્યારબાદ ઘીનો દીવો કરી અગરબતીનો ધૂપ કરે છે. ત્યારબાદ એકટાણું કરવા બેસે છે. એકટાણું કર્યા બાદ છોકરીઓને જો ભૂખ લાગે તો ખારેક, ટોપરા, મુક્તિ, કેળા ખાય શકે છે. રાત્રે જમીન પર પથારી પાથરી સુવે છે.

આધુનિક સમયમાં થતું વ્રત


હવે, આજના ભાગતા -દોડતા આધુનિક યુગમાં બાળાઓ સ્કૂલે જઈ હાથમાં મહેંદી કરે છે, સ્કૂલને શણગારે છે, ફેન્સી ડ્રેસ પેહરે છે, નત-નવી રમતો રમે છે. તેમજ સ્કૂલ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. પેહલાના સમયમાં ઘરે જ દાદી એ મમ્મી જુવાર વાવતા પરંતુ આજના સમયમાં બજારમાં પણ જુવારા તૈયાર મળી આવે છે.


આમ આ પાંચ દિવસના વ્રતમાં છોકરીઓ મોળું ખાય છે અને છેલ્લા દિવસે પૂનમની રાત્રીએ અડધી રાત સુધી જાગરણ કરે છે અને છઠ્ઠા દિવસે સવારે નાહી ને ભગવાન શિવના દર્શન કરે છે અને જુવારાને પાણીમાં પધરાવી દે છે. આમ આ વ્રત સળંગ પાંચ દિવસ ચાલે અને છઠા દિવસે આ વ્રતની પુર્ણાહુતી થાય છે.


વ્રતનું મહત્વ


કહેવાય છે આ વ્રત કરવાથી દીકરીઓને સારો, સંસ્કારી તેમજ શ્રીમંત વર મળે છે. ઉપરાંત ગોરમાની આ પૂજા પ્રકૃતિની રક્ષા માટે પણ કરવામાં આવે છે. આપની સંસ્કૃતિમાં મોટાભાગે વ્રતો – ઉત્સવો પ્રકૃતિની સાથે સંકળાયેલા છે. આ વ્રત પણ તેમનું જ એક છે. જુવારાથી પર્યાવરણની પણ સુપેરે રક્ષા કરવાનું સૂચવ્યું છે.

1 thought on “નાની બાળાઓ જવારા પુજન (મોળાકત) નું વ્રત શા માટે કરે છે ? જાણો શું છે મોળાકત વ્રતનું મહત્વ ?”

Leave a Comment