કૃષ્ણમ વંદે જગતગુરુ; ગુરુ પૂર્ણિમા નિમિતે જાણો ભગવાને આપેલી ગુરુ દક્ષિણાની અજાણી વાતો

‘ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: ગુરૂ સાક્ષાત્કાર પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવૈ નમ: આ પંક્તિઓ આપણને ગુરૂ વિશેનું મહત્વ જણાવે છે. ગુરૂ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરૂ શિવ છે, ગુરૂ જ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ગુરૂને પૂરું માન – સન્માન આપવામાં આવે છે. આ ગુરૂપૂર્ણિમાનો તહેવાર આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. આજના દિવસે પુરાણોમાં ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

ગુરુ પૂર્ણિમા નિમિતે જાણો ભગવાને આપેલી ગુરુ દક્ષિણાની અજાણી વાતો

ગુરૂની આપણા જીવનમાં એક મોટી ભૂમિકા છે. ગુરુ પોતે સજાગ રહીને પોતાના શિષ્યને સત્માર્ગ દોરે છે. ગુરૂને પરબ્રહ્મની ઉપમા આપવામાં આવેલ છે. આપણને શરીર માતા-પિતા આપે છે. પરંતુ પરમાત્મા સુધી પહોચવાનો રસ્તો ગુરૂ દ્વારા જ મળે છે. એટલા માટે જ આપણા જીવનમાં ગુરૂની ખુબ જરૂર છે.

‘પ્રથમ માત-પિતાને નમીએ, જેને, જગ જાણે જીવન દેનાર.
બીજે ગુરૂને નમીએ, છે એ જીવન આધાર.
નમન કરો એ સમયને, આપી શીખ અપાર.
અંતે હરિને નમીએ, છે એ નિર્ગુણ, નિરાકાર.’

ગુરૂપૂર્ણિમાએ વેદ વ્યાસજીનો જન્મ

અષાઢ મહિનાની પૂનમને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવીએ છે. આ દિવસે વિશ્વના સૌથી મોટા પુસ્તક ‘મહાભારત’ લખનાર શ્રી ગુરૂ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. જેને ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમને પૂરાણો અને વેદોની રચના કરી છે. જેમાં તેમને ૧૮ પૂરાણો રચ્યા છે. આ તહેવાર માત્ર હિંદુ ધર્મમાં જ નહી પરંતુ બૌદ્ધ, જૈન અન્ય ઘણા બધા ધર્મોમાં પણ ઉજવવામાં આવે છે.

ગુરૂ દ્રોણાચાર્ય અને અર્જુન વિષે જાણવા જેવું :

ગુરૂ દ્રોનાચાર્ય એ કૌરવો અને પાંડવો બન્નેને તીરંદાજી શીખવ્યું હતું. પરંતુ તેમાના સૌથી શ્રેષ્ઠ અર્જુન હતા. દ્રોણાચાર્ય એ અર્જુનની અનેક વખત પરીક્ષા કરી. આવો એમની એક પરીક્ષા વિષે આપણે જાણીએ.


એક દિવસની વાત છે, જયારે ગુરૂ દ્રોણાચાર્ય રાજકુમારોને તીરંદાજી શીખવતા હતા, ત્યારે દ્રોણાચાર્ય એ એક પરીક્ષણ કર્યું. તેમણે લાકડામાંથી બનેલું પક્ષી ઝાડની ડાળી પર મુક્યું અને તેને માર્યા વિના પક્ષીની આંખ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. તેમણે એક બાદ એક વિદ્યાર્થીઓને બોલાવ્યા અને પૂછ્યુ કે તેઓને શું દેખાય છે, તેમાના કોઈ કહે ફૂલો, વૃક્ષ વગેરે હવે ત્યાર બાદ અર્જુન નો વારો આવ્યો.

દ્રોણાચાર્ય એ અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે હે પુત્ર ! તને અહી શું દેખાય છે ત્યારે અર્જુને જવાબ આપતા કહ્યું હે ! ગુરૂ વર મને માત્ર પક્ષીની આંખ દેખાય છે. અર્જુનના આ જવાબ થી દ્રોણાચાર્ય અર્જુનથી અતિ પ્રશન્ન થયા અને તેમણે અર્જુનને બ્રહ્માનું દૈવી શસ્ત્ર ‘બ્રહ્માસ્ત્ર’ આપ્યું અને તેને સામાન્ય યોદ્ધા સામે ઉપયોગ ન કરવાની સલાહ આપી. આ જ કારણે અર્જુને તેમને ગુરૂના હ્રદયમાં સ્થાન મેળળ્યું. આમ ગુરૂ અને શિષ્યનો સંબંધ જ અલગ છે.

ભગવાન દત્તાત્રેય વિષે

ભગવાન શ્રી દત્તાત્રેય પોતે ઈશ્વર હોવા છતાં પણ તેમને ગુરૂની જરૂર પડી હતી. દત્તાત્રેયના ૨૪ ગુરૂ હતા જેનું વર્ણન અવધૂત ગીતામાં છે. જેમાના શાસ્ત્રોક્ત રીતે ૨ ગુરૂ માનવામાં આવે છે. એક શિક્ષા ગુરૂ અને બીજા દીક્ષા ગુરૂ. અવધુત અખ્યાનમાં શ્રી દત્તપ્રભુ એ કહ્યું છે કે યદુ! આ સંસારમાં માનવદેહ મળવો અતિ મુશ્કેલ છે છતાં પણ જો સૌભાગ્ય રીતે મળી રહે તો આ માનવદેહ સંસાર સાગર તરવા માટેની એક નૌકા છે. ગુરૂરૂપી ખલાસી આ દરિયો ખેડવામાં મદદ કરે છે.

શ્રીકૃષ્ણએ આપેલી ગુરૂદક્ષિણા બાબતે જાણવા જેવી બાબતો:

ભગવાન શ્રી કૃષ્ણએ સાંદીપની આશ્રમમાં જઈને વિદ્યા મેળવી હતી. ભગવાન કૃષ્ણની ગુરૂભક્તિ વિષે શ્રીમદ ભાગવતમાં પૂરેપૂરું વર્ણન કરવામાં આવેલ છે. એક સમયે ગુરૂપૂર્ણિમાનો દિવસ હતો, ભગવાન શ્રી કૃષ્ણએ ગુરૂ સાંદીપનીને કહ્યું કે હે ઋષિવર હું તમને ગુરૂદક્ષિણામાં શું આપી શકું ?

ઋષિવર જાણતા હતા કે કૃષ્ણ કોઈ સાધારણ માણસ નથી એ તો પરમાત્મા છે. પરંતુ ઋષિઓની એક મર્યાદા છે કે તેઓ કશું જ માગી શકતા નથી. તે દિવસે ગુરૂમાતા તેમના તેમના રૂમમાં રડી રહ્યા હતા. કૃષ્ણ તેમની પાસે ગયા અને તેમના રડવાનું કારણ પૂછ્યું ત્યારે ગુર્રોમાતાએ કહ્યું હે કૃષ્ણ ! આજથી એક વર્ષ પૂર્વે આ દિવસે તમારા ગુરૂવર પુત્રનું મૃત્યુ થયું હતું મને તે યાદ આવી રહ્યા છે તેથી હું ખુબ દુ:ખી છું.

તે જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મોટાભાઈ બલરામ યમપુરી જાય છે અને યમ પાસે થી ગુરૂપુત્રનો આત્મા લઈ તેના શરીરમાં તે આત્માને પ્રવેશ કરીને પોતાના ગુરૂને તે દિવસે ગુરૂદક્ષિણા અર્પણ કરે છે તેવું માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ સ્વયં પરબ્રહ્મ હોવા છતાં ગુરુદક્ષિણા અર્પણ કરીને ગુરૂનો મહિમા સમજાવ્યો છે.

‘કૃષ્ણમ વંદે જગદગુરુ’

આજના દિવસે ગુરૂપૂજન વિધિ :

ગુરૂપૂર્ણિમાના દિવસે એક બાજોઠ પર પીળું કપડું પાથરી તેના પર પોતાના ગુરૂની છબી મુકવી. તેની બાજુમાં ગાયના ઘીનો દીવો કરવો, અગરબતી કરવી. ગુરૂની જો મૂર્તિ હોઇ તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું, ફૂલ-હાર ચઢાવવા, ચંદનથી તિલક કરવું. ગુરૂએ આપેલ મંત્રની માળા કરવી. ત્યારબાદ ગુરૂનો છબીની સામે ગુરૂગીતાનો પાઠ કરવો. ત્યારબાદ ગુરૂની આરતી કરવી અને પ્રાર્થના કરવી.

Leave a Comment