Amazing Dwarka: અમદાવાદમાં થયેલા હિટ એન્ડ રન કેસ બાદ રાજ્ય ભરમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનાર ટ્રાફિક પોલસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કડક સુચના આપવામાં આવી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ પોલીસકર્મીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આદેશ આપ્યો છે. પોલીસ કચેરી બહાર જ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.ગાડી પર પોલીસ લખેલી નેમપ્લેટ, બ્લેકફિલ્મ હશે તો દંડ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પોલીસ લાઇન, પોલીસ મથક અને પોલીસ કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચના આપી છે. આ સાથે જ જે કાર પર પોલીસ લખેલુ હોય અથવા તો તેમાં બ્લેક ફિલ્મ મારેલી હોય તો તેને દુર કરવા અને દંડ કરવાની સૂચના આપી છે.
જાણો ડીજીપીએ પરિપત્રમાં શું લખ્યું છે ?
ગુજરાત ડીજીપીએ લખેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ કર્મચારી ટ્રાફિકની ફરજ બજાવી રહ્યો હોય ત્યારે તેમને બેટન અને બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે. આ સાથે જ જ્યારે તે યુનિફોર્મમાં હોય ત્યારે તેની ગરીમા જળવાઈ રહે તે રીતે ફરજ બજાવવાની રહેશે.
જ્યારે યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવાવનો રહેશે. પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હીલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં જઈ શકશે નહીં. અને આવુ કરતા પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે સીટ બેલ્ટ લગાવવો અને ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવું. ટૂ-વ્હીલ૨ અને ફોર-વ્હીલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિહ્નના લોગોવાળી નેઇમ પ્લેટો લગાવેલી હોવી જોઈએ નહીં.જો આમાંથી કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સાથે કડક કાર્યવાહી કરવા સુચના આપાવમાં આવી છે. આ પરિપત્ર બહાર પાડીને ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસ કમિશનર, એસપી, જીઆરપી તથા તમામ સેનાપતિઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે.