ગીર સોમનાથ અને જૂનાગઢમાં બારેમેઘ ખાંગા, 22 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Amazing Dwarka: ગીર પંથકમાં મેઘતાંડવથી પુરની સ્થિતિ સર્જાઇ છે. અનરાધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. સૌથી વધુ ગીર સોમનાથ, માંગરોળ, સુત્રાપાડા, તાલાલામાં વરસાદ નોંધાયો. તો જુનાગઢ અને દમણમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારની મોડી રાતથી શરૂ થયેલા મેઘતાંડવે જોતજોતામાં સમગ્ર પંથકમાં તબાહી મચાવી દીધી છે. એક સામટા 21 ઇંચ વરસાદ પડ્યા બાદ પંથકની સૌથી મોટી હિરણ નદી તો જાણે ગાંડીતૂર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર શહેરમાં હિરણ નદીનું પાણ ફરી વળ્યું છે. રસ્તાઓ તો જાણે હોય જ નહીં તેમ ચારે બાજુ માત્ર પાણી જ દેખાય રહ્યું છે. ભારે વરસાદને કારણે ઢોર તણાઇ જવા, ઘરવખરીનો સામાન તણાઇ જવો, પુલ તૂટવા જેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તો પુલ કે રસ્તો તૂટવાને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે. NDRFની ટીમ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા સતત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

વાહન વ્યવહાર ખોરવાયો

ભારે વરસાદને કારણે ગીર સોમનાથ, તાલાળા અને જુનાગઢનો સંપૂર્ણ વાહનવ્યવહાર ખોરવાય ગયો છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અને નિચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે દોડી જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો ST વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 264 જેટલી બસનો રદ કરી દીધી છે. હજું પણ સ્થિતિ વિકટ બની રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથમાં સૌથી વધુ અસર પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને શહેર અને ગ્રામ્ય પંથકોમાં નદી-નાળા અને ડેમો છલોછલ ભરાઇ ગયા છે. તો જૂનાગઢમાં પણ બુધવાર વહેલી સવારથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં દામોદરકુંડમાં પુર આવ્યું છે. માળિયા, કેશોદ, માંગરોળ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી રહી છે.

હિરણનું રૌદ્ર સ્વરૂપ

ગીર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા જળ ત્યાં પાણીની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હિરણ-2 ડેમ છલકાય ગયો છે, નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ નદી કાંઠા તોડીને શહેર-ગામડાઓમાં ફરી વળી છે. નદીના રસ્તામાં આવેલી તમામ વસ્તુઓ પાણીમાં તણાઇ ગઇ હતી. તો રસ્તા અને પુલનો કચ્ચરઘાણ બોલી ગયો છે. પ્રાપ્ત વિગત મુજબ કેશોદના સિલોદર ગામનો પુલ ધરાસાયી થઇ ગયો છે જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગીર સોમનાથમાં બારેમેઘ ખાંગા થતાં હિરણ નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ જાણે ગાયબ થઇ ગયા હોય તેમ ગોઠણડૂબ પાણી ભરાયા છે. તાલાળા પાલિકામાં હિરણ નદીનું પાણી ઘૂસી જતાં દસ્તાવેજો તણાયા છે. તો વાહનોએ તો જાણે જળસમાધી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે.

Leave a Comment