કારગિલ યુદ્ધ; ગુજરાતના આ 12 વીર સપૂતોએ મા ભારતીની રક્ષા કાજે આપી હતી પ્રાણની આહુતી

Amazing Dwarka:વર્ષ 1999નો જુલાઇ મહિનો જ્યારે નાપાક દેશના સૈનિકોએ ભારતમાં ઘુસણખોરી કરી. જોત જોતામાં દુશ્મન દેશના સૈનિકોએ ભારતના કબજાના કેટલાક પોઇન્ટ પર કબજો કરી લીધો, જો કે દુશ્મનોને ખદેડવા માટે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. જમ્મુ-કાશ્મીરના કારગિલમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ હતી. મા ભારતીના સાહશવીર જવાનોની હિમ્મત અને પરાક્રમ સામે દુશ્મનો ઘૂંટણીએ આવી ગયા અને નાપાક ઇરાદો સફળ થયો નહીં. આ કારગિલની લડાઇમાં મા ભારતની રક્ષા કાજે 559 વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી જેમાં ગુજરાતના પણ 12 જવાનોનો સમાવેશ થાય છે. આ શહીદ વીર જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને કારગિલ પર વિજય અપાવનારા જવાનોને યાદ કરવા દર વર્ષે 26 જુલાઇએ દેશમાં કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. કારગિલ યુદ્ધનો એ સમય હતો જ્યારે દેશની જનતા પોતાના ઘરમાં શાંતિથી ઉંઘી રહી હતી અને સરહદ પર મા ભારતીના સપૂતો રક્ષા કાજે દિવસ-રાત, ઠંડી, ગરમી જોયા વગર સતત લડાઇ લડી રહ્યાં હતા.

ગુજરાતના આ 12 જવાનો થયા હતા શહીદ

દેવભૂમિ દ્વારકાના બે જવાન સહિત ગુજરાતમાંથી કુલ 12 વીર જવાનો શહીદ થયા હતા. જેઓના નામ નીચે આપેલા છે.

વીર શહીદ – મહિપતસિંહ નટુભા જાડેજા,નગડિયા, દેવભૂમિ દ્વારકા.
વીર શહીદ – રમેશ જોગલ, મેવાસા, દેવભૂમિ દ્વારકા,
વીર શહીદ – અશોકસિંહ જાડેજા, મેમાણા, જામનગર
વીર શહીદ – છગન બારિયા, નાકડી, દાહોદ
વીર શહીદ – દિલિપસિંહ ચૌહાણ, ટીકર, સુરેન્દ્રનગર
વીર શહીદ – ભલાભાઈ બારીઆ, ખટકપુર, પંચમહાલ
વીર શહીદ – હેન્દ્રગિરિસ સ્વામી, કોઇલાણા, જૂનાગઢ
વીર શહીદ – મુકેશ રાઠોડ, સાપુર, જૂનાગઢ
વીર શહીદ – શૈલેષ નીનામા, કંથારિયા, સાબરકાઠા
વીર શહીદ – રૂમાલ રજાત, ઘેટીઆંબા, મહિસાગર
વીર શહીદ – દિનેશ વાઘેલા, નિરમાલી, ખેડા
વીર શહીદ – કાંતી કોટવાલા, કિશનગઢ, સાબરકાંઠા

દેશમાં 24મો કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ દિવસે દેશના વીર સપૂતોને સમર્પિત છે. જેઓએ તમામ મુશ્કેલ હાલાતને પાર કરીને 26 જુલાઇ 1999ના રોજ પાકિસ્તાનના સૈનિકોને કારગીલથી ખદેડી મૂક્યા હતા અને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ તથા કાશ્મીરના કારગીલમાં ખેલાયેલા યુદ્ધને બે દાયકાનો સમય વીતી ગયો છે, જો કે તેમાં દેશની રક્ષા કાજે અનેક વીર જવાનો શહીદ થયા હતા. તેમના અદમ્ય સાહસ અને પરાક્રમને દેશ ક્યારેય ભુલી શકે નહીં. દેશના આ વીર સપૂતોએ આપેલા યોગદાનને દરેક વ્યક્તિ, બાળક હોય કે મોટા તમામ લોકો જાણી શકે તે માટે દર વર્ષે 26 જુલાઇએ આ કારગીલ દિવસ મનાવવામાં આવે છે. કારગીલ યુદ્ધના સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેઓએ પ્રાણની ચિંતા કર્યા વગર ઓપરેશન વિજયમાં જોડાયા અને દેશની શાન પર જરાય આંચ ન આવવા દીધી. દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો અને ખદેડી મુક્યા હતા.

18000 ફુટની ઉંચાઇ પર લડવામાં આવ્યું હતું યુદ્ધ

કારગીલ યુદ્ધ ભારતના જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લામાં જુલાઇ 1999ના રોજ લડાયું હતું. એ સમયે પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ ભારતના કંટ્રોલવાળા વિસ્તારમાં ઘુસી ગયા હતા. તેઓને ખદેડવા માટે ભારતીય આર્મીએ ઓપરેશન વિજય શરૂ કર્યું હતું. કારગીલ યુદ્ધની બીજી એક ખાસિયત એ છે કે તે 18000 ફુટની ઉંચાઇ પર લડવામાં આવ્યું હતું. જો કે ભારતના સાહસવીર જવાનોએ અદમ્ય પરાક્રમ દેખાડીને જીત મેળવી હતી. જો કે આ યુદ્ધમાં મા ભારતીના 500 જેટલા સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી હતી અને વીરગતી પ્રાપ્ત કરી હતી.

આવી રીતે શરૂ થયું હતું યુદ્ધ

કાશ્મીરમાં તાશી નામગ્યાલ નામના ઘેટા-બકરા ચારતા વ્યક્તિેએ ભારતીય સેનાને જાણકારી આપી કે પાકિસ્તાનના સૈનિકોએ કુચ કરી છે. હજારોની સંખ્યામાં પાકિસ્તાની ઘુસણખોરો બરફના ડુંગરોની આડમાં છુપાયેલા છે અને તેઓએ ત્યાં બંકરો પણ બનાવી લીધા છે. બાદમાં ભારતીય સેનાએ તુરંત કાર્યવાહી શરૂ કરી અને ઘુસણખોરોના ઠેકાણા એક પછી એક નેસ્તોનાબુદ કરવાનું શરૂ કર્યું. આ મિશનમાં વાયુસેનાની પણ મદદ લેવામાં આવી હતી. ભારતીય સેના સામે બે પડકારો હતા જેમાં એક તો ઠંડી અને બીજું ઉંચા ઉંચા પર્વતો.

શું હતો દુશ્મનોનો પ્લાન ?

જોતજોતામાં ઘુસણખોરોએ ભારતના મોટા વિસ્તારમાં કબજો કરી લીધો હતા. ત્યારબાદ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિની જાહેરાત કરી દીધી. પાકિસ્તાનના સૈનિકોનો નાપાક ઇરાદો હતો કે સિયાચિન ગ્લેશિયરની લાઇફલાઇન નેશનલ હાઇવે 1ડી પર કબજો કરવાનો હતો. લદ્દાખ તરફ જતો રસ્તો રોકીને ભારતને સિયાચીન છોડવા મજબૂર કરવાનો પ્લાન ઘડીને નાપાક સૈનિકો સતત હુમલો કરી રહ્યાં હતા. જો કે ભારતીય સેનાના વીર જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો અને 4 જુલાઇ 1999ને ભારતીય સેનાને ટાઇગર હિલ, ટોલોલિંગ, પોઇન્ટ 4875 સહિતના સ્થળો પર ફરી વિજય પતાકા લહેરાવી દીધો. કારગીલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રા બહાદુરી અને દુશ્મનોનો ખાતમો કરવાને કારણે રાષ્ટ્રીય નાયક બની ગયા. તેમના યે દિલ માંગે મોરના સુત્રએ સેનામાં નવુ જોમ ભરી દીધું. તો જામનગરના માત્ર 19 વર્ષના વીર શહીદ રમેશ જોગલે દેશની રક્ષા કાજે શહીદ થયા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગીલ યુદ્ધના સમાચાર અમેરિકા, ફ્રાંસ સહિતના દેશોને થઇ અને તેઓએ પાકિસ્તાનને યુદ્ધ માટે જવાબદાર ઠેરવ્યું હતું.

એ દિવસ આવ્યો જ્યારે ભારતીય સેનાએ વિજયની જાહેરાત કરી

20 જુન 1999ના રોજ ભારતીય સેનાએ દુશ્મનોને જમીનદોસ્ત કરી નાખ્યા અને 11 કલાકની લડાઇ બાદ ટાઇગર હિલની નજીકના 5060 અને 5100 પોઇન્ટ પર કબજો કરી લીધો. ભારતીય સેનાને એક પછી એક સ્થળોએથી પાકિસ્તાની સૈનિકોને ખદેળવાનું શરૂ કર્યુ. ભારતય સેના સામે દુશ્મનોને હાર દેખાવા લાગી અને પીછેહટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ 14 જુલાઇ 1999ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન વિજય સફળ રહ્યું હોવાનું એલાન કર્યું. બાદમાં 26 જુલાઇ 1999ના રોજ કારગીલ યુદ્ધ સમાપ્ત થયું હતું.

અનેક વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી

મા ભારતીની રક્ષા કાજે સેનાના અનેક વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી. ભારતીય સેનાના આ વીર સપૂતોની વીરતાની વાત સાંભળીને ભલભલાના રુવાડા ઉભા થઇ જાય તેવી છે. જેમાં કેપ્ટન વિક્રમ બત્રા, ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ, લેફ્ટનેન્ટ મનોજ કુમાર પાંડે, લેફ્ટનન્ટ બલવાન સિંહ, કેપ્ટન એન કૈંગુરુસે, રમેશકુમાર જોગલનો સમાવેશ થાય છે. દેશની જનતા શાંતિથી ઉંઘી શકે તે માટે સરહદ પર વીર સપૂતો અનેક રાત સુધી ઉજાગરા, ઠંડીનો સામનો કરીને લડતાં રહ્યાં છે. તો 500થી વધુ વીર જવાનોએ પ્રાણ ન્યોછાવર કરી દીધા. ત્યારે અમેઝિંગ દ્વારકાની ટીમ કારગીલ યુદ્ધ વિજય દિવસ પર આ વીર સપૂતને સત સત નમન કરે છે.

Leave a Comment