આજે તો હાવજનો દિવસ; જાણો કોણે અને શા માટે સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી ?

Amazing Dwarka: સિંહ તો સિંહ કહેવાય,…ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન એવા સિંહનો આજે દિવસ છે. દુનિયાભરમાં આજના દિવસે એટલે કે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ વાઘની જેમ હવે સિંહોની પ્રજાતિ પણ ખતરામાં છે. જો આજથી જ તેનો બચાવ નહીં કરીએ તો આવનારી આપણી પેઢીને સિંહ જોવા પણ નસીબ નહીં થાય તેવી સ્થિતિ સર્જાશે. ત્યારે સિંહની વાત આવે ત્યારે સોરઠના સિંહનો ઉલ્લેખ ન થાય એવું કેમ બને. જૂનાગઢ, અમરેલી, ગીર અને ભાવનગરના વન્ય વિસ્તારોમાં જોવા મળતાં સિંહો દુનિયામાં બીજે ક્યાં નથી. આછી રૂવાટીને કારણે દુનિયાના અન્ય સિંહોથી સોરઠના સિંહો અલગ તરી આવે છે. ત્યારે આજના સિંહ પર આવો કેટલીક રોચક માહિતી મેળવીએ..

દુનિયાભરમાં દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી પર સિંહની પ્રજાતીનું સંરક્ષણ કરવાના હેતુથી જ સિંહ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ અને એનિમલ નિષ્ણાંતોનું કહેવું છે કે આપણા વાતાવરણ ચક્ર માટે સિંહ ખુબ જ મહત્વનો રોલ નીભાવે છે. એશિયામાં સૌથી વધુ સિંહ ભારતમાં છે, આ સિવાય અન્ય ચાર રોયલ બંગાળ ટાઇગર, ઇન્ડિયન લેપર્ડ, ક્લાઉડેડ લેપર્ડ અને સ્નો લેપર્ડ છે.

વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ

વિશ્વ સિંહ દિવસની શરૂઆત પહેલીવાર વર્ષ 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે બિગ કેટ વિશ્વનું સૌથી મોટું સિંહોનું અભ્યારણ છે. આ અભ્યારણની સ્થાપના એક પતિ-પત્નીએ કરી હતી, જેમનું નામ ડેરેક અને બેવર્લી જોબર્ટ છે. તેઓએ જંગલમાં રહેતા સિંહની રક્ષા માટે નેશનલ જીઓગ્રાફિક અને બિગ કેટ ઇનિશિએટિવ બંનેને એક જ બેનર અંતર્ગત લાવવાના અભિયાનની શરૂઆત કરી હતી, ત્યારથી દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ સિંહ દિવસ મનાવવો કેમ જરૂરી છે ?

વિશ્વ સિંહ દિવસ સિંહોના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતતા લાવવાનો છે. લોકોને સિંહો અંગે માહિતી પહોંચાડવા અને પર્યાવરણ માટે સિંહોનું મહત્વ સમજાવવાનો છે. દર વર્ષે સિંહોની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે આથી તાત્કાલિક અસરથી તેના પર ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ 2020ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં કુલ 674 સિંહો છે. જે વર્ષ 2015માં કરવામાં આવેલી વસ્તી ગણતરીમાં 523 સિંહો નોંધાયા હતા. ભારતમાં સૌથી વધુ સિંહો ગીર નેશનલ પાર્કમાં છે, જ્યાં અંદાજે 400 જેટલા સિંહો છે. ભારતમાં સિંહો એવા પ્રાણીઓમાં સામેલ છે જેઓ સંકટગ્રસ્ત પ્રજાતીમાં આવે છે.

સિંહો અંગેની આ માહિતી નહીં જાણતા હોવ તમે

  • એક સિંહનું વજન અંદાજે 190 કિલો સુધી હોય છે અને સિંહણનું વજન 130 કિલો સુધી હોય છે.
  • એક સિંહની ઉંમર 16થી 20 વર્ષ સુધીની જ હોય છે.
  • સિંહોની સાંભળવાની શક્તિ ખુબ જ સારી હોય છે.
  • ભારતના રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભમાં શેરનું ચિત્ર છે.
  • સિંહો એ વાઘના પિતરાઇ ભાઇ કહી શકાય છે, આથી ઇંગ્લિશમાં તેને બિગ કેટ પણ કહેવામાં આવે છે.
  • નર સિંહના ગળામાં રૂવાટી હોય છે, જ્યારે સિંહણના ગળામાં રૂવાટી હોતી નથી.

Leave a Comment