વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું દાત્રાણા ગામ, કેમ અબોટી બ્રાહ્મણોએ નદીમાં સ્નાન કર્યું ?

Amazing Dwarka: હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને અતિ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં અનેક એવા પવિત્ર તહેવારો આવે છે જેની ઉજવણીથી માહોલ ભક્તિમય બની જાય છે. જેમાં સાતમ-આઠમ, શિવજીના સોમવાર, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી સહિતના તહેવારોનો સમાવેશ થાય છે. તહેવારોના આ દિવસો બ્રાહ્મણ પરિવાર માટે પણ ખુબ જ મહત્વના હોય છે. ભક્તો માટે પુજા-અર્ચના કરવાની સાથો સાથ બ્રાહ્મણોના પોતાના પણ અનેક કાર્યક્રમો હોય છે, જેમાં પૂનમ સ્નાન, યજ્ઞોપવિત સહિતના કામ હોય છે. આ વર્ષો જૂની પરંપરા મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે અબોટી બ્રાહ્મણ દ્વારા ખાસ શ્રાવણી પૂનમ સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શું હતો આ કાર્યક્રમ ?

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે. આ પરંપરા એવી છે કે શ્રાવણની પૂનમના દિવસે દાત્રાણા ગામમાં આવેલા વેદેશ્વર મહાદેવ મંદિરે અબોટી બ્રાહ્મણો એકત્રિત થાય છે. અહીં પૂર્વ વાહિની વેદમતી નદીમાં અબોટી બ્રાહ્મણો શ્રાવણી પૂનમના રોજ પવિત્ર સ્નાન કરે છે. આ દિવસે નદી કાંઠે બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર પણ કરે છે. આ સિવાય અર્ધ્ય તથા નૂતન યજ્ઞોપવિત પણ ધારણ કરે છે.

મોટી સંખ્યામાં અબોટી બ્રાહ્મણોએ કર્યું પવિત્ર સ્નાન

વર્ષોથી ચાલી આવતી પરંપરાને અબોટી બ્રાહ્મણોએ આજે પણ જાળવી રાખી છે. જેમાં દાત્રાણા ગામે વેદેશ્વર મંદિરે શ્રાવણી પૂનમના દિવસે અબોટી બ્રાહ્મણો એકત્રિત થયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. એક સાથે અનેક બ્રાહ્મણોના શ્લોક પઠનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ખાસ વિધિ બાદ આગામી સાતમ-આઠમના તહેવારમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી માટે અબોટી બ્રાહ્મણ પરિવારોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

Leave a Comment