Amazing Dwarka: આજના ઇન્ટરનેટ અને ફોન પેમેન્ટના યુગમાં ભેજાબાજો દ્વારા નિર્દોષ લોકોને ભોળવીને નાણા ખંખેરવાની છેતરપીંડીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સામે આવી છે. જો કે સાયબર ક્રાઇમ પોલીસે મહાઠગ બે આરોપીને પકડીને જેલ હવાલે કર્યા છે. જો કે આ ભેજાબાજો પાસેથી પોલીસને એવી એવી જાણકારી મળી કે બધા ચોંકી ગયા હતા, જેમાં અત્યારસુધીમાં આરોપીઓએ 15 જેટલા લોકો સાથે છેતરપીંડિ કરી હોવાનું સામે આવ્યું છે.
ડીલરશીપ આપવાનું કહી નાણાં ખંખેરી છેતરપીંડી કરી લેતા
બનાવની વિગત એવી છે કે કલ્યાણપુરમાં મેઇન બજારમાં રહેતા સંદીપભાઇ ગુણવંતરાય અત્રીએ ગત 26-08-2023ના રોગ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું કે 17 તારીખે તેમને ફોન આવ્યો હતો કે mammypoko pants કંપનીમાંથી સેલ્સ ઓફિસર અંકિત મોદી બોલું છું અને કલ્યાણપુર ગામમાં કંપનીની એજન્સી આપવાની છે, કોઇ ઇચ્છુક હોય તો કહેજો. આ વાતમાં આવી જઇ સંદીપભાઇએ એજન્સી શરૂ કરવાની હા પાડી હતી. બાદમાં ગૂગલ પેની મદદથી સંદિપભાઇ પાસેથી ત્રણ ટ્રાંજેક્શન કરાવી 71,168 રૂપિયાનું પેમેન્ટ કરાવી લીધું. આટલા પૈસા આપ્યા બાદ માલ મોકલ્યો નહીં અને વધુ પૈસાની માગણી કરવામાં આવી. આમ અવાર નવાર પૈસાની માગણી કરાતા સંદીપભાઇ સમજી ગયા કે કંઇક ખોટું થઇ રહ્યું છે. બાદમાં તેઓએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ક્યાંથી પકડાયા બંને આરોપી ?
બાદમાં આ કેસ સાયબર ક્રાઇમ પોલીસ અંતર્ગત આવતાં તેઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું કે આ પ્રકારે અન્ય લોકો પણ છેતરપીંડિનો ભોગ બન્યા છે. ત્યારે સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓનું પગેરુ શોધી કાઢવાની દિશા તપાસ હાથ ધરી હતી. મેન્યુઅલ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સદર ગુનાનો એક આરોપી ભાવનગરના ઘોઘામાં અને બીજો આરોપી સુરતમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આરોપી હિતેશ શાંતિલાલ ગોહિત અને ઉમંગ કિશોર ગોહીલની ધરપકડ કરી દેવભૂમિ દ્વારકા લાવવામાં આવ્યા હતા.
સટ્ટામાં પૈસા હારી જતાં શરૂ કરી છેતરપીંડિ
આરોપી હિતેશ ગોહીલ છ વર્ષ પહેલા mamypoko pantsમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. નોકરી છોડ્યા બાદ તે ક્રિકેટ સટ્ટાની લત લાગી જતા ક્રિકેટ સટ્ટામાં પૈસા હારી જતાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો. બાદમાં તે ગૂગલ સર્ચમાંથી મેડિકલ ધારકો, સેલ્સ એજન્સીઓ તથા નોવેલ્ટીની દુકાન માલિકોનો મોબાઇલ નંબર મેળવી પોતાની ઓળખ મમ્મીપોકો પેન્ટ કંપનીના સેલ્સ ઓફિસર તરીકે આપી ડીલરશીપ આપવાનું જણાવી છેતરપીંડિ આચરતો હતો. આરોપી કંપનીનું કેટલોગ બનાવી શ્રી માર્કેટિંગ નામની પેઢીના GST નંબરવાળા ખોટા બીલ મોકલતો હતો. તો પેમેન્ટ મેળવવા માટે મહાદેવ બુકી દ્વારા આપવામાં આવતાં બેંક એકાઉન્ટ નંબર આપતો હતો.
અન્ય 15 લોકો સાથે છેતરપીંડિ કરી હોવાનું ખુલ્યું
પકડાયેલા બંને આરોપીઓએ અત્યારસુધીમાં 15 જેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપીંડિ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં મહુવા, તળાજા, ઉના, પાલીતાણા, બોટાદ, ખંભાળિયા, વીજાપુર, વલભીપુર, ધ્રોલ, કોડિનાર, વિસાવદર અને ઓખામાં વેપારીઓ સાથે છેતરપીંડિ કરી છે.