19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ, કારગિલ યુદ્ધમાં થયાં દુશ્મનને ધૂળ ચાંટતા કરી દીધા હતા

Veer Saput Rameshkumar Jogal: કોઈ તમને પૂછે કે 19 વર્ષની ઉંમરે તમે શું કરતા હતા તો તમારો જવાબ હશે કે હું અભ્યાસ કરતો હતો અથવા તો નોકરી મેળવવાના પ્રયાસ કરતો હતો પરંતુ આજે અમે તમને એક એવા વીર શહીદની વાત કરીશું જેઓએ માત્ર 19 વર્ષની ઉંમરે તો મા ભોમની રક્ષા કરવા માટે શહીદી વહોરી લીધી હતી. આજે એ વીર સપૂતની પુણ્યતિથિ છે., શહીદ વીર રમેશ જોગલ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના રહેવાસી હતા. આજે પરિવારમાં તેમના માતા અને એક ભાઈ છે જેઓ હાલ જામનગરમાં રહે છે અને વીર શહીદના નામથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. શહીદ વીર રમેશ જોગલની વીરતા અને પરાક્રમના કિસ્સા સાંભળીને તમારા રુવાટા ઉભા થઇ જશે…

વીર સપૂત રમેશકુમાર જોગલ

3 મે 1999ના એ દિવસે નાપાક દેશના સૈનિકોએ કારગિલ પર અચાનક હુમલો કર્યો અને યુદ્ધના મંડાણ થયા હતા, આ યુદ્ધ 22 જુલાઈ 1999 સુધી ચાલ્યું, ભારતના પરાક્રમિ અને વીર જવાનોએ દુશ્મનોને ધૂળ ચાંટતા કરી દીધા હતા. જીવ સટોસટીના આ યુદ્વમાં ભારતમાતાના અનેક જવાનોએ શહીદી વહોરી હતી. જેમાં ગુજરાતના 12 જવાનો પણ હતા, જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે શહીદ થયેલા આ 12 જવાનોમાં સૌથી નાની વયના સૈનિક હતા રમેશકુમાર જોગલ. જેઓની ઉંમર માત્ર 19 વર્ષ હતી.

ખુબ જ હોંશિયાર અને પરાક્રમિ હતા વીર શહીદ રમેશકુમાર

વીર શહીદ રમેશકુમાર જોગલ બાળપણથી જ પરાક્રમી અને સાહસવીર હોવાનું પ્રાથમિક શાળાના શિક્ષકો જણાવે છે. તેઓએ પહેલા જ નક્કી કરી લીધું હતું કે આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવી છે. બાદમાં 1990માં તેઓ સેનામાં ભરતી થયા. આર્મીમાં રમેશકુમારને આર્ટીલરી વિભાગ મળ્યો હતો. અહીં તેઓ પોતાનું કૌવત દેખાડ્યું જેમાં તેઓ ફાયરિંગની તાલીમ દરમિયાન રમેશભાઈએ ખુબ જ સારુ પ્રદર્શન કર્યું અને આર્મીના ઉચ્ચ અધિકારીઓની નજરમાં આવી ગયા. તેમની આ કુશળતા જોઈને એ સમયે તેઓને ઉચ્ચ અધિકારીઓ તરફથી 100 રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

વીર સપૂત રમેશકુમાર જોગલ

રમેશભાઈએ પરિવારને લખેલા પત્રોમાં આ વાત જણાવી હતી. એ સમયે પત્ર ઘર સુધી પહોંચવામાં ખુબ સમય લાગતો. પરિવારે આજે પણ ઘરેણાંની જેમ રમેશભાઈના પત્રો સાચવીને રાખ્યા છે. આજે પણ વીર શહીદ રમેશભાઈની એ લોખંડની પેટી જેમાં તેમનો સમાન હતો એ સાચવીને રાખ્યો છે. જેમાં રમેશભાઈનો યુનિફોર્મ, બુટ, પત્રો, મેડલ સહીતની તમામ વસ્તુઓ છે. રમેશભાઈના બુટમાં પંજાના ભાગે ગોળી વાગી હતી તેનું નિશાન છે. આ દ્રશ્ય જોઈને પરિવારની આંખો આજે પણ ભીની થઇ જાય છે. 19 વર્ષનો યુવક જેણે દુનિયા જોઈ પણ ન હતી તેનામાં અદભુત દેશભક્તિની જુવાળ સળગતી હતી. નાની વયે દેશ માટે વિરગતી પ્રાપ્ત કરી એવા રમેશકુમાર જોગલને સત સત નમન….

વીર સપૂત રમેશકુમાર જોગલ

કારગિલ યુદ્ધ 1999

કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક “વિજય”) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.

Leave a Comment