વાવણી પહેલા ખેડૂતો શા માટે વવણીયા બાંધે છે ? જાણો વાવણીયાનું મહત્વ

શું તમને ખબર છે આ વાવણીયા એટલે શું ? પહેલા ક્યારેય નહીં વાંચી હોય એવી જાણો વિગત, ધરતી માતાની પુજામાં વપરાતી આ વસ્તુનું મહત્વ નહીં જાણતા હોવ તમે

‘ચડયા અષાઢી વાદળા કાળા દોવળા,….એકધારી મેઘ રાજા મંડાણા અપાર.’

ડાયરાની મોજમાં તમે આ સપાખરું તો સાંભળ્યું જ હશે. અષાઢ મહિનામાં ચારે બાજુ કાળા ડિબાંગ વાદળો છવાયા હોય, ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે સૌથી વધુ ખુશી ધરતીના તાત એટલે કે ખેડૂતોના ચહેરા પર દેખાતો હોય છે, કારણ કે ખેડૂતો અષાઢ મહિનામાં પહેલીવાર ખેતરમાં હળ ચલાવે છે અને વાવણી કરવાની શરૂઆત કરે છે. આપણી વર્ષો જૂની પરંપરા પ્રમાણે ખેડૂતો વિધિવત રીતે હળ, બળદ અને ધરતી માતાની પુજા કર્યા બાદ વાવણીની શરૂઆત કરે છે. વાવણીમાં ખેડૂતો બધાં ઓજારો, બળદ અને પોતાના કાંડા પર રંગબેરંગી ઊંનથી બનાવેલ દોરો બાંધતા હોય છે. જેને વાવણીયા કહે છે. આ વાવણીયું એટલે શું, તેનું મહત્વ, ખેડૂતો વાવણી પહેલા કેવી રીતે પુજા કરે છે તેની વિગતે ચર્ચા કરીએ.

વાવણીયા એટલે શું ?

ખેડૂતભાઇઓને સારી રીતે ખબર હશે કે વાવણીયા એટલું શું પરંતુ જે મિત્રોને ખબર ન હોય તેઓને વાવણિયા વિશેની રોચક વાત જાણીને ખુબ જ મજા પડી જશે. ચોમાસામાં વાવણીનું મુહુર્ત કરતી વખતે ખેડૂતો પોતાના કાંડે, બળદને, હળને જે વિવિધ કલરનો દોરો બાંધે છે તેને વાવણિયા કહેવામાં આવે છે. વાવણિયા બજારમાં તૈયાર મળતું નથી તે ખેડૂતો પોતાના ઘરે જાતે તૈયાર કરતાં હોય છે. જેમાં સૌપ્રથમ ઉનના વિવિધ કલરના દોરા લેવામાં આવે છે. જેમાં મોટાભાગે લાલ-લીલા અને સફેદ કલરનો દોરો જ લેવામાં આવે છે. ત્યારબાદ દોરો તૈયાર થઇ જાય એટલે વાવણીની પુજા કર્યા બાદ ખેડૂતો પોતાના હાથમાં બાંધે છે અને વાવણીમાં જે વસ્તુઓ વપરાતી હોય તેને બાંધવામાં આવે છે. વાવણિયાનો દોરો કલરફુલ હોવા પાછળ એવું કહેવાય છે કે ધરતીમાતા હંમેશા હળિયાળી છવાયેલી રહે તેમ ખેડૂતના ઘરે પણ હરિયાળી છવાયેલી રહે.

વાવણી પહેલા ખેડૂતો પુજા કેમ કરે છે ?

શાસ્ત્રોમાં ધરતી માતાનું ખાસ મહત્વ રહેલું છે, ખેડૂતપુત્રો ધરતીમાં બીજ વાવીને જે અનાજનું ઉત્પાદન થાય છે તેના પર માનવ સભ્યતા ટકી રહેલી છે. ખેડૂતો દ્વારા હળ, બળદ, અનાજ, દોરા, પૈસા અને સોપારી સાથે ધરતી માતાની પુજા કરવામાં આવે છે. આ પુજામાં વપરાતી તમામ વસ્તુનું એક ખાસ મહત્વ રહેલું છે. જેમાં અનાજ એટલે કે એક દાણો આપો એટલે ધરતી માતા તેમાંથી હજારો દાણા આપશે, તો જે દોરો બાંધવામાં આવે છે તેને વાવણિયા કહેવામાં આવે છે, જે બળદ અને ખેડૂતને બાંધવામાં આવે છે.

સોપારી કે નારિયેળ એટલે એવું ફળ જે લાંબા સમય સુધી રહે, અન્ય ફળ કલાકોમાં જ બગડી જાય છે, જ્યારે સોપારી અને નારિયેળ લાંબા સમય સુધી રહે છે. તો લક્ષ્મીજી એટલે કે પૈસા મૂકવામાં આવે છે. આમ ખેડૂતો જ્યારે ચોમાસામાં વાવણી કરે છે ત્યારે સૌપ્રથમ જમીન પર અનાજનો સાથિયો કરે છે, પછી તેમા સોપારી અને પૈસા મૂકે છે અને ધરતીમાતાને અરજી કરે છે કે જમીનમાં જે કંઇ પણ વાવે તેનું અનેક ગણુ ઉગાડીને આપે !!

Leave a Comment