આ ચોમાસુ કેવું રહેશે ? આ વખતે ભમ્મરિયા કુવામાં રોટલો કઇ દિશામાં ગયો, શું છે આ પરંપરા ?

જામનગર: વા વાયાને વાદળ ઉમટ્યા,…ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. પ્રથમ વરસાદ જ સારો થતાં ખેડૂતો હવે વાવણીની વેતરણમાં જોડાઇ ચૂક્યા છે. જો કે હજુ પણ ખેડૂતોને ક્યાંકને ક્યાંક ચિંતા સતાવી રહી છે કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, કારણ કે ચોમાસા પરથી તેના આખા વર્ષનો અંદાજ લગાવવામાં આવે છે. ગુજરાતમાં અનેક સ્થળોએ તમે દેશી પદ્ધતિથી ચોમાસા વિશે આગાહીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં એક એવું ગામ છે જ્યાં કુવામાં રોટલો નાખીને ચોમાસાનો અંદાજ લગાવવામાં આવે છે. આ અંદાજ લગાવવાની પદ્ધતિને વરતારો કહેવામાં આવે છે. તો શું છે 500 વર્ષ જૂની આ પરંપરા અને તેનું ઐતિહાસિક શું મહત્વ છે તે જાણીએ…

આ પણ જુઓ: જૂના જમાનામાં થતી બળદ દ્વારા વાવણી

જામનગરથી માત્ર 10થી 15 કિમી દૂર આમરા ગામ આવેલું છે.

આ ગામમાં દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. ગ્રામજનો વાજતે ગાજતે ગામના પાધરે આવેલા એક કુવા પાસે પહોંચે છે અને તેમાં એક જુવારનો રોટલો પધરાવે છે. આ કુવાને ભમ્મરિયો કુવો પણ કહેવામાં આવે છે. ભમ્મરિયા કુવામાં નાખેલો રોટલો જો ઉગમણી દિશા તરફ તરીને જાય તો એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ વખતનું ચોમાસુ સારુ રહેશે, જો અન્ય દિશામાં જાય તો ચોમાસુ મધ્યમ રહેશે. આ વર્ષે રોટલો ઉગમણી દિશામાં ગયો હતો, એટલે ગામલોકોએ જણાવ્યું કે માતાજીની કૃપાથી આ વર્ષ ખુબ જ સારુ રહેશે. 500 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ ગ્રામલોકોએ જાળવી રાખી છે. જેમાં ગામના સતવારા સમાજના ઘરે આ રોટલો બનાવવામાં આવે છે. તૈયાર થયેલો રોટલો ગામના વાણંદ કુવા પાસે લઇને પહોંચે છે. ત્યારબાદ જાડેજા પરિવારના લોકો આ રોટલાને કુવામાં પધરાવે છે.

કુવા સાથે જોડાયેલી છે એક પૌરાણિક કથા

ગામના એક વૃદ્ધ વ્યક્તિએ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું કે અમારા વડવાઓ વાતો કરતાં કે એક દિવસ ગામની એક મહિલા ભાત તૈયાર કરીને વાડીએ આપવા જતી હતી, આ દરમિયાન ગામના કુવા પાસે કેટલાક લોકોએ મહિલા પાસેથી રોટલો છીનવી લીધો અને ખાઇ ગયા. ત્યારબાદ અહીં એક માતાજી જાગૃત થયા અને રોટલાની માગ કરી. ત્યારથી અહીં કુવામાં રોટલો નાખવાની પરંપરા શરૂ થઇ હતી. આ કુવા માટે વેરાઇ માતાજીનું એક મંદિર આવેલું છે.

Leave a Comment