આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટથી પવિત્ર માસ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે.. ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય છે. જેથી ભક્તો વહેલી સવારથી શિવાલયોમાં જઈને મહાદેવનો અભિષેક કરે છે..
આખા ભારતમાં શ્રાવણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે….શ્રાવણ મહિનાના સોમવારના તમામ ઉપવાસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે. જેથી કાવડ યાત્રા શ્રાવણ મહિનામાં યોજવામાં આવે છે. કાવડમાં ભગવાન શિવના તમામ ભક્તો પવિત્ર નદીઓમાંથી નાના ઘડાઓમાં પાણી લાવે છે…
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહિનામાં સોમવારનું વ્રત કરે છે, ભોલેશંકર તેની મનોકામના પૂર્ણ કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ વર્ષનો પાંચમો મહિનો શ્રાવણ મહિનો હોય છે. શિવપુરાણ અનુસાર આ મહિના વિશે ભોલેશંકરે પોતે જણાવ્યું છે. તમામ મહિનાઓમાંથી શ્રાવણ મહિનો તેમનો સૌથી પ્રિય મહિનો છે..
મહિનામાં નિયમ પ્રમાણે પૂજા કરવાથી સિદ્ધિ મળે છે. શ્રાવણના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ… જે બાદ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવો, ભગવાનને પ્રણામ કરો.આ સાથે જ 108 વાર શિવ મંત્રનો જાપ કરો. સાંજે ફરીથી ભગવાનના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી કરો. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક ભોજન લેવું જોઈએ જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.