Janmashtami 2023: કૃષ્ણ નગરી દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ ભગવાનના 5250માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હૈયાથી હૈયુ દળાય એટલું માનવ મહેરામણ સર્વલાડીલા એવા કાળિયા ઠાકરના દર્શન કરવા ઉમટી પડ્યું હતું. ચિક્કાર ભીડ વચ્ચે એકદમ શાંતિપૂર્ણ અને દરેક ભક્તોએ વ્હાલાના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હતી. આઠમની મધ્યરાત્રીએ વાતાવરણમાં માત્ર જ એક નાદ સંભળાઇ રહ્યો હતો, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,..12ના ટકોરે જ જગતમંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ પહેલા વ્હાલાને ખુલ્લા પડદે સ્નાન, મંગળા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
Janmashtami 2023 દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર
ભગવાન દ્વારકાધીશની નગરીમાં જન્માષ્ટમીને લઇને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતા. આઠમના વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરત શરૂ થઇ ગયો હતો. રાતે 12 વાગ્યા સુધીમાં તો જાણે દ્વારકામાં માત્ર માનવ મહેરામણ જ દેખાય તેટલા ભક્તો ભેગા થઇ ગયા હતા.
પોલીસ તંત્રની કાબીલે તારીફ કામગીરી
જન્માષ્ટમી પર લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવેલા ભક્તોને કોઇ અડચણ ન પહોંચે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના આ જવાનોએ રાત-દિવસ જોયો વગર પોતાની ફરજ નિભાવી. તો પોલીસકર્મીઓએ પણ એક ફરજના ભાગ રૂપે નહીં પરંતુ સેવાભાવથી તમામ વ્યવસ્થા ઉપાડી હતી. ભગવાન કૃષ્ણના તમામ ભક્તો દર્શન કરી શકે તે માટે પોલીસકર્મીઓએ સતત ખડેપગે રહી કામગીરી કરી હતી. ત્યારે કૃષ્ણ જન્મોત્સવમાં પોલીસકર્મીની સેવા નિષ્ઠાના તમામ ભક્તોએ પણ વખાણ કર્યા હતા.
3 વાગ્યા સુધી મંદિર માં દર્શન યોજાઈ
ચાર ધામ પૈકી એક એવા દ્વારકામાં દરરોજ લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ જન્માષ્ટમીના દિવસે ખાસ દર્શનનું મહાત્મય હોવાથી ભક્તો અધિરા બન્યા હતા અને રાજાધિરાજની એક ઝલક મેળવવા આતૂરતાથી રાહ જોઇ રહ્યાં હતા. અંતે ભક્તો જેની રાહ જોઇ રહ્યાં હતા એ ઘડી આવી ગઇ અને રાતે 12ના ટકોરે જેવા ભગવાનના દર્શન માટે પડદો ખુલ્યો કે જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠ્યો. તમામ લોકોને દર્શન થઇ શકે તે માટે ખાસ રાતે 3 વાગ્યા સુધી દર્શન કરાવવામાં આવ્યા હતા.
કૃષ્જણ જન્મ સમયે થઇ મહા આરતી
દ્વારકામાં એક સપ્તાહથી ભક્તો વ્હાલાના વધામણા કરવા ઉમટી રહ્યાં હતા. જેમ જેમ આઠમ નજીક આવતી ગઇ તેમ તેમ ભક્તોનો પ્રવાહ તો વધ્યો સાથે સાથે આતુરતા પણ વધી ગઇ હતી. અંતે રાતે 12 વાગ્યે ભક્તો અધિરા બન્યા અને જેવા કૃષ્ણ જન્મ થયો કે મંદિર પરિષર જય જયકારના નાદથી ગુંજી ઉઠ્યું. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીનો જ અવાજ સંભળાઇ રહ્યો હતો. વિધિ પ્રમાણે 12ના ટકોરે બ્રાહ્મણોએ કૃષ્ણ મહા આરતી કરી હતી. ભક્તો એકીટસે વ્હાલાને જોતા રહ્યાં અને આરતીમાં મગ્ન બની ગયા હતા.
ભવ્ય સમાપન
ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા એવા વ્હાલાના વધામણાની ઘડી આવી ગઇ અને 12 વાગ્યાના નાદ સાથે મહા આરતીથી મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું. દ્વારકા નગરીમાં ચારે બાજુ રોશનીનો શણગાર, પગ મૂકવાની જગ્યા ન મળે એટલી ભક્તોની ભીડ. જો કે મનમાં કૃષ્ણનું નામ હોય એટલે તમામ દુઃખ પીડા મટી જાય, તેમ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતા ભક્તોના મુખ પર જરાય થાક વર્તાઇ રહ્યો ન હતો. જન્માષ્ટમીની રાતે વ્હાલાના દર્શન કર્યા બાદ આ ભક્તોના મુખ પર માત્રને માત્ર શાંતિ-ખુશીનો જ ભાવ દેખાઇ રહ્યો હતો. ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી બાદ વ્હાલાને શયન કરાવવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે પારણાં વિધિ કરવાની તૈયારી કરવામાં આવી હતી.
Watch More Video : https://www.youtube.com/live/DT-WaKb-TwE?si=q7Y5MgRWtC1FHPPw
આ પણ જુઓ !
જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો
નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી
વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી
કાન્હા વિચાર મંચની સ્થાપના કઈ રીતે થઇ ? છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે ભવ્યાતીભવ્ય કાર્યક્રમ