નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

Amazing Dwarka: અખિલ ભ્રમાંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને લઈને આહીર સમાજ સહિત અઢારે વરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. દેશભરના લોકો દ્વારકામાં કાન્હા જન્મોત્સવ ઉજવવા ઉમટી પડતા હોય છે. દ્વારકામાં જન્માષ્ટમીએ ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રા, રાસોત્સવ સહિતના કાર્યક્રમોની હારમાળા યોજાશે, આ માટે તૈયારીઓ આદરી દેવામાં આવી છે.

ક્યા ક્યા કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા

દર વર્ષેની જેમ આ વર્ષે પણ કાન્હા વિચાર મંચ દ્વારા દ્વારકામાં પરંપરાગત કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. કાન્હા વિચાર મંચના સક્રિય સભ્યોની ખંભાળીયા ખાતે મળેલી મીટીંગમા 7 સપ્ટેમ્બરના જન્માષ્ટમી નીમિત્તે દ્વારકામાં રાજાધિરાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, વ્રજ રાસોત્સવ, મહા આરતી જેવા પરંપરાગત આયોજનો માટે કાર્યક્રમ નિર્ધારીત કરવામા આવ્યા છે. ત્યારે આ કાર્યક્રમનો લ્હાવો લેવા અને કાળિયાઠાકરના દર્શન કરવા માટે ભક્તોને ઉમટી પડવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દર વર્ષે યોજાય છે ભવ્ય શોભાયાત્રા

ઉલ્લેખનીય છે કે આહીર સમાજનું એક્ટિવ ગ્રૂપ છે કાન્હા વિચાર મંચ. આ ગ્રૂપ દ્વારા વારતહેવારે વિવિધ સેવાકીય કાર્યો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ જન્માષ્ટમીની ઉજવણીને લઇને આ ગ્રૂપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે આહીર સમાજ વાડીથી ભવ્ય શોભાયાત્રા જેમાં દ્વારકાધીશની મૂર્તિ બિરાજમાન કરી જગત મંદિર સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવે છે.

તો આ શોભયાત્રામાં આહીર સમાજના પુરુષો-મહિલાઓ અને બાળકો પણ પારંપરિક વસ્ત્રોથી સજ્જ થાય છે. શોભાયાત્રા બાદ ભગવાન કૃષ્ણની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં હાથમાં દીપ લઇને દીવડાથી આરતી કરવામાં આવે છે.