તુંગેશ્વર મહાદેવ મંદિર: વિવિધતા અને પૌરાણિક મંદિરો જેની ઓળખ છે એવા હાલાર પ્રદેશની વાત જ નીરાળી છે. અહીં કુદરતે ખોબલે ને ખોબલે સુંદરતા ભેટ આપી છે. એક તરફ ઘુઘવતો દરિયાકાંઠો કુદરતના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે, તો બીજી બાજુ ડુંગરોની હારમાળામાં પ્રકૃતિના રમણીય શાંત, સુંદરતાના દર્શન કરાવે છે. આવું જ એક ઐતિહાસિક સ્થળ એટલે તુંગેશ્વર મહાદેવ મંદિર. એડવેન્ચર અને પ્રકૃતિનો અનુભવ કરવા ઇચ્છા લોકોએ એક વખત તુંગેશ્વર મહાદેવ મંદિરની ટ્રીપ જરૂર કરવી જોઇએ. અહીં ચોમાસા દરમિયાન તો જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેના દ્રશ્યો જોવા મળે છે. ડુંગર પર બિરાજમાન તુંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ તન-મનને શાંતિ મળે છે.

ગર્ભગૃહમાં શિવલિંગ જમણી બાજુ
શાંત જગ્યા પર સૂસવાટા મારતો પવન જાણે મહાદેવની હાજરીનો અહેસાસ કરાવતો હોય તેવો અનુભવ થાય છે. તો આ વાતાવરણ વચ્ચે જ્યારે તમે તુંગેશ્વર મહાદેવનું શિવલિંગ જોશો તો તમારી આંખો પહોંળી થઇ જશે, કારણે મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ જમણી બાજુએ છે, સામાન્ય રીતે શિવલિંગ મંદિરના મધ્યમાં હોય છે, પરંતુ સમગ્ર વિશ્વમાં એકમાત્ર શિવજીનું મંદિર છે જ્યાં શિવલિંગ સાઇડમાં છે. ત્યારે આ મંદિર અને જગ્યા સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દા પર આવો પ્રકાશ પાડીએ…
તુંગેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ
વડીલોના જણાવ્યા પ્રમાણે ફુલઝર ડેમની નજીક આવેલું આ પૌરાણિક મંદિર પાંડવોકાળનું છે. આ મંદિરની સ્થાપના મહારાષ્ટ્રના રાજા તુંગભદ્રએ કરી હોવાનું મનાય છે. તુંગભદ્ર મહાદેવનો અનન્ય ભક્ત હતો, તે પોતાના દિવસની શરૂઆત ભગવાન ભોળાનાથને જળ અર્પણ કર્યા બાદ જ કરતો.
ત્યારબાદ તેને એક દિવસ ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું, જ્યારે તે ચાર ધામની યાત્રા પુર્ણ કરવા દ્વારકા તરફ આવવા નીકળ્યો ત્યારે ફુલઝર ડેમ નજીક આ જગ્યાએ પહોંચ્યો તો તેને મુંઝાયો કે અહીં ક્યાંય મહાદેવ મંદિર નથી, ત્યારે તેને મહાદેવ સપનામાં આવ્યા અને કહ્યું કે એક ચકલી ચાંચમાં પાણી ભરીને જે જગ્યાએ પાણી છાંટે ત્યાં તું શિવલિંગની સ્થાપના કરી પુજા કરજે, આમ બીજા દિવસે ચકલીએ જ્યાં પાણી છાંટ્યું ત્યાં તુંગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. એટલું જ નહીં ચકલીના ચાંચમાં થોડું પાણી રહી જાય છે, જે આ ચકલી થોડે દૂર જઇને ખંખેરે છે, ત્યાં તુંગલી નામનો ડુંગર ઉત્પન્ન થઇ જાય છે.

તુંગલી અને તુંગેશ્વર ડુંગરના લગ્ન
સંવત 1500ની આસપાસ નજીક આવેલા ગોવાણા ગામ આવેલું છે. આ ગામમાં નોંધણ શાહ નામના એક વાણિયાને મહાદેવ સપનામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે નજીકમાં આવેલા તુંગલી ડુંગર અને તુંગેશ્વર ડુંગરના લગ્ન કરાવ. જો કે વાણિયાએ કહ્યું કે મારી આર્થિક સ્થિતિ એવી નથી કે લગ્ન કરાવી શકું. તો તુંગેશ્વર દાદાએ જણાવ્યું કે નદીની બાજુમાં એક વૃક્ષ છે, તેની નીચે ચાર ફૂટ સુધી ખોદકામ કરજે તેમાંથી ધન નીકળશે. બાદમાં નોંધણ શાહે ત્યાં જઇને ખોદકામ કર્યું તો તેમાંથી ધન નીકળ્યું જેની મદદથી બંને ડુંગરના લગ્ન કરાવ્યા હતા.

તુંગેશ્વર દાદાનું રહસ્યમય શિવલિંગ
વડિલોએ જણાવ્યું કે જ્યારે આ મંદિરની સ્થાપના થઇ હતી ત્યારે મંદિરમાં શિવલિંગ અન્ય મંદિરોની જેમ મધ્યમાં હતું. પરંતુ તુંગેશ્વર મહાદેવનું આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું જમણી બાજુ ખસકી રહ્યું છે. આજે આ શિવલિંગ મંદિરમાં એકદમ દિવાલ તરફ જતું રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મંદિરમાં રહેલ શિવલિંગ દર વર્ષે જમણી બાજુ પર હલન ચલન કરે છે અહીંયા દર વર્ષે જન્માષ્ટમી પર લોકમેળો ભરાય છે. તુંગેસ્વર મહાદેવ મંદિરમા આજુબાજુના ૮ થી ૧૦ ગામોની અપાર શ્રદ્ધા રહેલી છે અને દર શ્રાવણ માસમાં કુદરતી વાતાવરણમાં રમણીય સ્થળ પર મોટી સંખ્યામાં લોકો શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે.

ક્યાં આવેલું છે આ તુંગેશ્વર મહાદેવનું મંદિર ?
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી અઢાર કિલોમીટર દુર જસાપર ગામે આ પૌરાણિક તુંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં પહોંચવા માટે તમારે ખંભાળિયાથી ચારણતુંગી ગામ આવવું પડશે ત્યાંથી ફુલઝર ડેમની નજીક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ મંદિર આવેલું છે. અહીં આજે પણ તમને બે ડુંગર જોવા મળશે, જેમાં એક ડુંગર પર તુંગેશ્વર મહાદેવ બિરાજમાન છે, જ્યારે બીજા ડુંગરને તુંગલી ડુંગર તરીકે ઓળખવામાં આવે છે.
દર વર્ષે જન્માષ્ટમી પર લોકમેળો ભરાય છે
ફુલજર ડેમની બાજુમાં ડુંગર પર તુંગેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે.રમણીય અને ધાર્મિક સ્થળ પર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. દરેક શિવાલયોમાં મુખ્ય ભાગે શિવલિંગ મધ્યમાં આવેલી હોય છે. પરંતુ આ મંદિરમાં શિવલિંગ મંદિરમાં જમણી તરફ આવેલી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મંદિરમાં રહેલ શિવલિંગ દર વર્ષે જમણી બાજુ પર હલન ચલન કરે છે.દર વર્ષે જન્માષ્ટમી પર લોકમેળો ભરાય છે.
Youtube Documentry
તુંગેશ્વર મહાદેવ
તુંગેશ્વર મહાદેવ Google Map Location
https://goo.gl/maps/crBkubMc1NaBkryz6